ભુજ, તા. 18 : કચ્છમાં બેફામ રીતે ખનિજચોરી
થઈ રહી છે તેને ઝડપવા જતાં `ઉલટા ચોર
કોટવાલ કો ડાટે' જેવી સ્થિતિ પણ સામે આવી
રહી છે. મધ્યરાત્રે ફ્લાઈંગ સ્ક્વોર્ડ ખનીજ ચોરી ઝડપવા જતાં ટ્રકનો પીછો કર્યો હતો
અને ટ્રકે ટક્કર મારી દેતાં અકસ્માતમાં સરકારી વાહનને નુકશાન પહોંચાડી ટ્રક નાસી છુટયાની
ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગે ભુજની ખનિજ કચેરીમાં માઈન્સ સુપરવાઈઝર તરીકે
ફરજ બજાવતા હિતેશભાઈ સોલંકીએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ હાલે તેઓ કચ્છમાં
થતી ખનીજ ચોરી રોકવા માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડમાં ફરજ બજાવે છે. તા.17/6ના રાતે બે થી અઢી વાગ્યે તે
તથા ડ્રાઈવર સરકારી બોલેરો નં.જીજે-18 જીસી 0514 વાળી લઈ ખનીજ
ચોરી રોકવા કુનરિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને વાહન તલાશીની કાર્યવાહી કરી હતા
ત્યારે ઢોરી તરફથી છ પૈડા વાળી ટ્રક નં.જેજે-06-એયુ-9120 આવતા તેને
હાથના ઈશારા વડે ટ્રકને ઊભી રાખવાનું કહેતાં ટ્રક ચાલકે પૂરઝડપે ટ્રક હંકારી ભાગી ગયો
હતો. આથી બોલેરો દ્વારા ટ્રકનો પીછો કરતાં ટ્રક ચાલકે કુનરિયા ગામ પાસે પોતાની ટ્રકમાં
ભરેલી રેતી ચાલુ ટ્રકે રસ્તા પર ખાલી કરી નાસતો જતો હતો. નાના વરનોરાથી ત્રંબૌ તરફ
જતા કાચા રસ્તે ટ્રક ચાલકે એકદમ બ્રેક મારતાં પાછળની ટ્રોલી સાથે સરકારી બોલેરોનો બમ્પરનો
ડાબી બાજુનો ભાગ અથડાતાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ઝાડ સાથે અથડાઈ હતી જેથી
ગાડીના બમ્પર, કાચ અને સાયરન તૂટી ગયા
હતા. ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છુટયો હતો. આમ ટ્રક નં.જીજે 06 એયુ 9120 વાળાના ચાલક વિરૂદ્ધ ફરજમાં
રૂકાવટ અને સરકારી વાહનને નુકશાન સબબની કલમો તળે માધાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.