• શુક્રવાર, 19 જૂન, 2026

અટવાયેલો ગુંદિયાળી ડિસેલિનેશન પ્લાન્ટ 2027માં કાર્યરત થશે

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 18 : આ વિધાનસભા મત વિભાગ હેઠળ સમાવિષ્ટ સહોદર કાંઠાળ તાલુકાઓ માંડવી-મુંદરા ઉપરાંત પડોશી અબડાસા વિસ્તાર માટે સ્તુતિકર મનાતા રૂપિયા આઠસો કરોડના ખર્ચે પ્રતિદિન 10 કરોડ લિટર દરિયાનાં ખારાં પાણીને પેયજળમાં પરિવર્તિત કરનારો ગુજરાત પાણી પુરવઠા બોર્ડ હસ્તકનો ગુંદિયાળી પાસેનો ડિસેલિનેશન પ્લાન્ટ અકળ કારણોસર કાચબા ચાલે અનુભવાતાં અનેક તર્ક-વિતર્કો વચ્ચે હવે ઓગસ્ટ 2027 આસપાસ કાર્યરત થઇ જવાની ધરપત અપાઇ છે. જો કે, સદરહુ પ્રકલ્પનું સ્થાપન વહન કરનારે પોતે કશું કહેવાની કે માહિતી આપવાની સ્થિતિમાં નથી એવું કહીને હાથ ઊંચા કરી નાખ્યા હતા. આ વચ્ચે જાણકાર વર્તુળોમાંથી મળેલી વિગતો પ્રમાણે 15-20 ટકા કામ થઇ ગયું છે અને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. મળેલી વિગતો પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આશીર્વાદરૂપ મનાતા ઉક્ત ડિસેલિનેશન પ્લાન્ટના મુહૂર્તનો આરંભ લગભગ ત્રણેક વર્ષો અગાઉ થયેલો. એ ખારાં પાણીને મીઠું જળ બનાવીને વિતરીત કરવાના પ્રકલ્પો કચ્છમાં ગુંદિયાળી ઉપરાંત દ્વારકા, ભાવનગર, ગીર વગેરેને આવરી લેવાનો દૃષ્ટિકોણ છે. આ સંબંધે ઠેકો સાપુરજી પાલનજી એન્ડ પ્રા. લિ. કંપનીને અપાયો. ગુજરાતમાં સૌથી મોટા પેયજળ શુદ્ધિકરણ પ્રકલ્પ તરીકે એની ગણના કરાઇ હતી. માંડવી-મુંદરા પંથકમાં વધતા જતા અને વિસ્તરતા ઔદ્યોગિકીકરણની જરૂરિયાત, પેયજળ આવશ્યકતા વગેરેને લીધે રૂા. 800 કરોડનો ગુંદિયાળી ખાતેનો પ્રકલ્પ 60 એકર જમીનના ઘેરાવામાં હાથ ધરાતાં આનંદ છવાયો હતો. ત્રણ વર્ષો અગાઉ સ્થાનિકેથી કચ્છમિત્રને અપાયેલી વિગતો પ્રમાણે સમગ્ર પ્રકલ્પ 2025 સુધીમાં પૂર્ણત:  કાર્યરત થઇ જવાની પ્રતિબદ્ધતા હતી. તે વેળાએ છએક મહિનામાં સિવિલ વર્ક પૂર્ણ થઇ જશે એવો વિશ્વાસ વ્યકત કરાયેલો. ટેકનિકલ માહિતીમાં 1.8 કિ.મી. અંતરેથી સાગરનું પાણી ખેંચાશે અને તમામ પ્રક્રિયા 2.5 કિ.મી.ના અંતરે ડિસ્પોઝલને છોડાશે. છ મીટર ઊંડે ઉક્ત ડિસ્પોઝલને સાગરને સમર્પિત કરાશે. શુદ્ધિકરણ અર્થે સાગરનાં નીર મેળવવા અને પાછાં છોડવા માટે બે અલગ-અલગ દિશાઓ હશે. જીવસૃષ્ટિની સુરક્ષા, પર્યાવરણ જાળવણી સહિત સંબંધે તાર્કિક અભ્યાસ કરાયો હોવાનો દાવો પણ કરાયો હતો. - 2025માં ગમે તે કારણે રિટેન્ડરિંગની વાત સાંભળવા મળેલી : ઓગસ્ટ '27 આસપાસ કાર્યાન્વિત : રાજ્ય સરકારના સંબંધિત તંત્રના કાર્યપાલક ઇજનેર એમ.એચ. અંતરોલિયાનો પ્રતિભાવ લેતાં તેઓએ `કચ્છમિત્ર'ને કહ્યું હતું કે, કેટલાંક કારણો, વહીવટી પ્રક્રિયાને પરિણામે વચ્ચે કામ ધીમું કે સુસ્ત રહેલું, પરંતુ હવે છેલ્લા મહિનાઓથી કામગીરી તેજીલી આગળ ધપી રહી છે. પર્યાવરણ, બંદરીય, વન વિભાગ વગેરે વિવિધ સ્થળોએથી આવશ્યક, અનિવાર્ય પરવાનગી જેવા કારણોસર ધીમું અનુભવાતું કામ એકાદ વર્ષમાં ઓગસ્ટ-27 સુધી પરિપૂર્ણ થઇ જાય એવું આયોજન છે. તેઓએ મૂળ કોન્ટ્રાક્ટર પાર્ટી, નાણાકીય જોગવાઇ વગેરે જૈસે થે એટલે કે, કોઇ ફેરફાર કે તબદીલી વિના હોવાનું પણ કહ્યું હતું. આ વચ્ચે પ્રોજેક્ટ ઇન્ચાર્જ મનોજ પાટિલે `નરોવા કુંજરોવા' જેમ કોઇ પણ વિગતો આપવામાં પોતે અસમર્થ હોવાનું જણાવીને વિગતો ઉપલી કક્ષાએથી પ્રાપ્ય થઇ શકે એવું જણાવેલું. આ દરમ્યાન પ્રકલ્પને કાર્યવત જોનારાઓએ જણાવેલું કે, 70-80 શ્રમિકો સાથે પ્રકલ્પ સંબંધે કામગીરી જારી છે અને લગભગ 20-25 ટકા કામ પૂરું થયું હોય એવું લાગે છે. - ખારું પાણી સુધારીને 500 ટીડીએસ : પ્રાપ્ય વિગતો પ્રમાણે 45 હજાર ટીડીએસવાળું દરિયાઈ ખારું પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાના અંતે ગુણવત્તા સુધારીને લગભગ પાંચેક સો ટીડીએસ ઉપર લાવવામાં આવશે. આ શહેર, તાલુકા અને મુંદરા શહેર-તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર, અબડાસા ઉપરાંત  પંથકના ઔદ્યોગિકીકરણ માટેની ભાવિ જરૂરિયાતને પહોંચી  વળાય એવો મસમોટો પ્રોજેક્ટ વાસ્તવિકતા દેખાડે ત્યારે ભયો, ભયો ! પ્રજાપ્રતિનિધિઓ પ્રકલ્પ આડે જો કોઇ ગાંઠ કે પ્રશ્નાર્થ હોય તો તેને સુલઝાવીને ખારાં પાણીનાં મીઠાં જળ-ફળ નસીબ થાય તે વાસ્તે ભૂમિકા ભજવે તેવી લોકવાણી અને લાગણી છે. ચોવીસ કલાકમાં 100 મિલિયન લિટર જળ શુદ્ધિકરણ અંતે વધારાનું નસીબ થાય તે નાની વાત નથી. 

Panchang

dd