રાપર, તા. 11 : કચ્છ શાખા નહેરમાંથી નીકળતી ગાગોદર પેટા કેનાલનું સમારકામ એકદમ
નબળું અને અધૂરું કર્યું હોવાની ફરિયાદો તાલુકા પંચાયતના પદાધિકારી દ્વારા કરવામાં
આવી છે. ઉપપ્રમુખ ભરતભાઈ બી. સોલંકી દ્વારા ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાને પત્ર
પાઠવી કેનાલની નબળી સ્થિતિ અંગે વિસ્તૃતમાં રજૂઆત કરાઈ છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે
તાજેતરમાં એક મહિનાથી સમારકામ માટે કેનાલ બંધ કરવામાં આવી હતી. અમરાપર પાસે તૂટી ગયેલી
કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું પણ કામ સાવ નબળું અને અધૂરું કર્યું હોવાનું
જણાવાયું છે. અમરાપર પાસે તૂટેલી કેનાલની દીવાલ પણ કરવામાં આવેલી નથી, તો તેલીવાંઢ પાસે પુલિયો બનાવવામાં આવેલો ન
હોવાથી પાઈપમાંથી સીધું પાણી વહન થતું હોવાથી પાણીનો ભરાવો થવાથી કેનાલ તૂટી જવાની
ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. કેનાલમાં ઊભેલા
ઘાસ અને શેવાળની સાફસફાઈ પણ પૂરી કરવામાં ન આવી હોવાનું જણાવી કેનાલની બાજુના રસ્તાની
માટી ઉપાડી લીધી હોવાથી રસ્તાનું પણ ધોવાણ થયું છે. કેનાલમાં પાણી છોડાય એ પહેલાં કેનાલનું
બાકી રહેતું કામ તાત્કાલિક યુદ્ધનાં ધોરણે કરવા ભરપૂર્વકની રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય
છે કે અગાઉ પણ ગાગોદર પેટા કેનાલમાં ગાબડાઓ પડ્યાં છે. સાયફનમાં માટી ધસી પડવાના કારણે
કાંઠાપટ્ટીના ગામના ખેડૂતો ને નર્મદાનું પાણી લાંબો સમય સુધી નસીબ થયું ન હતું.