પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 11 : જિલ્લામાં રોજબરોજ વધતા જતા
માર્ગ અકસ્માતોમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ગઈ કાલે માધાપર ગાયત્રી મંદિર
રોડ પાસે દ્વિચક્રી ચાલકની પાછળ બેઠેલા 15 વર્ષીય કિશોરનું ટ્રેઇલરને હડફેટે આવતા નીપજેલું મૃત્યુ કાળજું
કંપાવી ગયું. કચ્છમાં રોજના બે અકસ્માતમાં મૃત્યુનો આંકડો સતત ચિંતાની લાલબત્તી રજૂ
કરે છે. સરકાર ગર્વથી જાહેરાત કરે છે કે અકસ્માતના પ્રથમ 24 કલાકમાં દર્દીને સરકારી કે
ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે. પરંતુ ઘા વાગ્યા પછી મલમપટ્ટી કરવા કરતાં, ઘા જ ન વાગે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં તંત્રની
આ ઘોર ઉદાસીનતા કેમ? નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ,
ગુજરાતમાં થતા કુલ અકસ્માતોમાંથી 82 ટકા અકસ્માતો માટે `ઓવરસ્પીડ' મુખ્ય કારણ છે. વાહનચાલકો દ્વારા નિયત મર્યાદા
કરતા વધુ ઝડપે વાહન ચલાવવાની લાયમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે. અને અકસ્માતમાં
જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ સંખ્યા ટુ-વ્હીલર ચાલકોની છે. હેલ્મેટનો અભાવ અને ટ્રાફિક
નિયમોનું ઉલ્લંઘન આ મૃત્યુ પાછળના ગૌણ કારણો માનવામાં આવે છે તેવું તજજ્ઞો કહે છે.
અખબાર રોજ અકસ્માતોની નોંધ લે છે, પરિવારોના માળા વિખાતા જુએ
છે, પણ હવે માત્ર સમાચાર છાપીને બેસી રહેવાનો સમય નથી. જો આપણે
માત્ર હેલ્મેટ અને ટ્રાફિક શિસ્ત અપનાવી લઈએ તો કિંમતી જીવ બચાવી શકાય તેમ છે તેવું
પણ તેઓ કહી રહ્યા છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુજરાતમાં હેલ્મેટને લઈને કડક નિયમો અને
દંડની જોગવાઈ છે. જીવનભરની બેદરકારીનો ચોંકાવનારો હિસાબ અને ત્રણ મહિના લાયસન્સ સસ્પેન્ડ
થવાનું અસલી લોજિક સમજાવતાં નિષ્ણાતો-અનુભવીઓ કહે છે કે, સરેરાશ
આયુષ્ય 65 વર્ષ, દ્વિચક્રી ચલાવવાની ઉંમર બાળપણ (0 થી 18 વર્ષ) અને વૃદ્ધાવસ્થા (60 વર્ષ પછી)ને બાદ કરીએ, તો વ્યક્તિ જીવનમાં સરેરાશ 42 વર્ષ બાઈક કે સ્કૂટર ચલાવે છે. 42 વર્ષ એટલે કુલ 15,330 દિવસ. જેની સામે દંડનો આંકડો
જો કોઈ વ્યક્તિ રોજ હેલ્મેટ વગર બહાર નીકળે તો તેને રૂા. 1,000 દંડ થાય, એટલે આખું જીવન હેલ્મેટ વગર ગાડી ચલાવવાનો દંડ
રૂા. 1,53,30,000 થાય ! હેલ્મેટ ન પહેરવા પર
ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. આની પાછળ એક બહુ મોટું
મનોવૈજ્ઞાનિક લોજિક છુપાયેલું છે કે, કોઈપણ ખરાબ આદત બદલવા કે નવી આદત પાડવા માટે 21થી 90 દિવસનો સમય લાગે છે. આ સમયગાળો નાગરિકની માનસિકતા બદલવા અને
તેને `હેલ્મેટ પહેરવાની આદત' પાડવા માટેનું કાનૂની રિહેબિલિટેશન (સુધારા
ગૃહ) છે. - જનતાને સીધો
સવાલ : અકસ્માત થયા પછી જ્યારે ડોક્ટર એમ કહે કે
`હવે બધું ભગવાન ભરોસે છે' ત્યારે હોસ્પિટલના લોબીમાં માથે હાથ મૂકીને
ચોધાર આંસુએ રડવા કરતાં... શું ઘરની બહાર નીકળતી વખતે જ માથે હેલ્મેટ પહેરી લેવું સારું
નહોતું ? જો એ સમયે હેલ્મેટ પહેર્યું હોત, તો આજે પરિવારને રોવાનો વારો જ ન આવ્યો હોત? તેવું પણ
અનેક કિસ્સામાં જોવા મળ્યું છે. - ફરજિયાત હેલ્મેટનો કાયદો અપનાવવા જેવો : મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના આચાર્યા
હીનાબેન ગંગરે યુનિવર્સિટી પાસે અને કોલેજના શિક્ષિકા બહેનનો માધાપર પોલીસ ચોકી પાસે
થયેલા જીવલેણ અકસ્માતના પગલે છેલ્લા બે વર્ષથી કોલેજમાં હેલ્મેટ ફરજીયાત કર્યા અંગે
ખૂબ જ હૃદયસ્પર્શી અને તાર્કિક વાત કરી છે. `વર્ષમાં ત્રણ-ચાર કિસ્સા એવા આવે છે જેઓ અમારો વિરોધ કરે છે.
તેઓ આવીને એવું બોલે છે કે 'તમારી કોલેજની
અંદર એવા તે કેવા અકસ્માત થઈ જવાના છે કે તમે હેલ્મેટ વગર પ્રવેશ નિષેધ કર્યો છે?'
ત્યારે હું તેમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, દીકરીઓએ ગેટની અંદર આવીને હેલ્મેટ નથી પહેરવાનું! તેમને ઘરેથી કોલેજ આવવા વચ્ચેના
રસ્તા પર હેલ્મેટ પહેરવાનું છે. કોલેજથી છૂટીને ઘરે પાછા જતી વખતે રસ્તા પર પહેરવાનું
છે. આ નિયમ માત્ર કેમ્પસ પૂરતો નથી. કેમ્પસમાં હેલ્મેટ પહેરીને આવવું પડે તે બહાને
તેમને ઘરેથી જ હેલ્મેટ પહેરવાની `આદત' પડે,
બસ એ જ અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે. - આંકડા ચોંકાવનારા : તાજેતરમાં સત્તાવાર રીતે બહાર આવેલા ગુજરાત
પોલીસના મે મહિનામાં કરેલી રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઇવના આંકડા ચોંકાવી જાય છે. 1.88 લાખ વાહનચાલકો પાસેથી 5.21 કરોડ ઉઘરાવેલા દંડ પૈકી 16.53 લાખનો દંડ ખુદ સરકારી અધિકારી-કર્મચારીઓએ
ભરેલો છે. જે સાબિત કરે છે કે મોત સામે આવે ત્યારે કોઇનું સગપણ સચવાતું નથી.