હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 12 : કચ્છ હવે કૃષિ, ઔદ્યોગિક અને પ્રવાસન સહિતના ક્ષેત્રે વિકાસની
હરણફાળ ભરી રહ્યું છે. કચ્છનો કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ હવે વેગ પકડી રહ્યો
છે, તેની પ્રતીતિ એ વાત પરથી થઈ રહી છે કે, કચ્છની બેન્કોમાં થાપણોનો આંક ઊંચે જઈ રહ્યો છે, તેની
સાથે બેન્કોને અપાતા ધિરાણ લક્ષ્યાંકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો બેન્કોને અપાતા ધિરાણ લક્ષ્યાંકમાં
32પ ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. - ધિરાણ લક્ષ્યાંક 57 થી 242 અબજે પહોંચ્યો : લીડ બેન્કમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય
વિગતો અનુસાર 2021માં કોરોના મહામારીના વૈશ્વિક
સંકટ વચ્ચે 30 ટકા વધારા સાથે 57 અબજનો લક્ષ્યાંક નિર્ધારિત
કરાયો હતો. 2026-27ના નાણાકીય વર્ષ દરમિયાન લક્ષ્યાંકનો
આ આંકડો 325 ટકા વધીને 242 અબજે પહોંચ્યું છે. આ નાણાકીય
વર્ષ માટે જે ક્રેડિટ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો તે 242 અબજનો છે. ગયા નાણાકીય વર્ષની
સરખામણીએ આ વર્ષે 33 ટકાનો વધારો
કરવામાં આવ્યો છે. - લક્ષ્યાંક સામે ધિરાણ આપવાનો
આંક ઊંચો : દર વર્ષે બેન્કોને જે ધિરાણ લક્ષ્યાંક આપવામાં
આવે છે તેનાથી દર વર્ષે બેન્કો દ્વારા વધુ પ્રમાણમાં લોન આપવામાં આવે છે. છેલ્લાં પાંચ
વર્ષની વાત કરીએ તો આ સમયગળામાં બેન્કો દ્વારા લક્ષ્યાંક કરતાં 25થી 30 ટકા વધુ ધિરાણ આપવામાં આવ્યું છે. - કૃષિ, લઘુ-મધ્યમ ઉદ્યોગને વિશેષ અગ્રતા : ધિરાણનો જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવતો હોય છે, તેમાં કૃષિ અને લઘુ-મધ્યમ ઉદ્યોગને વિશેષ અગ્રતા
આપવામાં આવે છે. આ વર્ષના ક્રેડિટ પ્લાનમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 2પ.84 ટકા રખાયો છે. 2021 અને 2022ના વર્ષમાં
ધિરાણ લક્ષ્યાંકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સે અનુક્રમે 49 અને પ3 ટકા હતો. આ વર્ષે ખેતી ક્ષેત્રનો ધિરાણ
લક્ષ્યાંકનો હિસ્સો ઘટીને 2પ ટકાએ પહોંચવા
છતાં તેની અગ્રતા જળવાયેલી રહી છે. - લક્ષ્યાંક ફાળવણીમાં ત્રણ તાલુકાનો દબદબો : કચ્છમાં બેન્કોને
તાલુકાવાર જે ધિરાણ લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે,
તેમાં ત્રણ તાલુકાનો દબદબો જોવા મળ્યો છે. મહત્તમ ધિરાણ લક્ષ્યાંક ભુજ,
ગાંધીધામ અને અંજાર તાલુકાને
ફાળવાયો છે. સત્તાવાર રીતે અપાયેલા આંકડા અનુસાર આ ત્રણ તાલુકાની ભાગીદારી લગભગ પ0 ટકા જેટલી થવા જાય છે. કચ્છમાં લગભગ પ0 જેટલી બેન્કની શાખાઓ કાર્યરત છે. સૌથી વધુ
ધિરાણનો લક્ષ્યાંક લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બરોડા ગ્રામીણ બેન્કને ફાળવવામાં આવે છે. - પ્રાયોરિટી-નોન પ્રાયોરિટીમાં
વિભાજન : ધિરાણ માટે પ્રાયોરિટી અને નોન પ્રાયોરિટી
સેક્ટરમાં વિભાજન કરવામાં આવ્યું છે. પ્રાંયોરિટી સેક્ટરમાં કૃષિ ઉપરાંત લઘુ-મધ્યમ
ઉદ્યોગ, મહિલાલક્ષી વિકાસ યોજના, સામાજિક માળખાંનો વિકાસ અને શૈક્ષણિક લોનનો સમાવેશ થાય છે.