જયેશ શાહ દ્વારા : માંડવી, તા. 29 : લીલાધરભાઈ ગડા `અધા'
નામે એક પરોપકારી જીવ કચ્છની ધરતી પર હરે-ફરે છે, આપણે એમના સમકાલીન છીએ એ આપણું સદ્ભાગ્ય છે. અધાનો માંહ્યલો એટલો નિર્મળ છે
કે, એમાંથી ઊઠતો અવાજ સીધો-સીધો ખલકના માલિક સુધી પહોંચી જાય
છે. એનું એક મોટું કારણ એ છે કે, એ અવાજ જાત માટે નહીં પણ જગત
માટે ઊઠે છે. કેટલાક લોકો સ્વકલ્યાણ માટે જન્મે છે, તો કેટલાક
જગત કલ્યાણ માટે. અધાનું અવતરણ પણ કદાચ આ બીજા ઉદ્દેશ માટે કુદરતે કર્યું હશે તેવું
જણાવાયું હતું. બિદડા ખાતે માનસીના પરિસરમાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. નિશ્રામાં ગીતાબેન ગાલાએ
આવકારો આપ્યો હતો. બીજભાષણ આપતાં ડો. દર્શનાબેન ધોળકિયાએ મધ્યકાળથી માંડીને
સાંપ્રત સમયમાં થયેલા જૈન સાહિત્ય સર્જનની તવારીખ આપી તેની વિશેષતાઓની નોંધ લીધી હતી.
મોટા ભાગનું જૈન સાહિત્ય વૈરાગી સાધુઓ દ્વારા રચાયેલું હોવા છતાં એમાં જીવનનું મૂલ્ય
જે રીતે કરાયું છે તેની સાનંદ નોંધ લીધી હતી. જૈન સાધુ કવિઓએ તપસ્યાની સમાંતરે જ્ઞાનની
જ્યોત જલતી રાખી છે એવું જણાવી અભ્યાસપૂર્ણ અને રસાળ વ્યાખ્યાન આપી કાર્યક્રમની ભૂમિકા
રચી આપી હતી. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મ.સા. સાહિત્ય આદિની વ્યાખ્યા કરી કચ્છી
પ્રાકૃતની ઐતિહાસિક વિગતો આપી હતી. લબ્ધિવિજયજી
જેવાં સર્જકોથી માંડીને અર્વાચીનકાળ સુધીનો સર્જકો વિશે અભ્યાસ રજૂ કર્યો હતો. મુનિઓ
કોડાયના હેમરાજભાઈ અને રવજી દેવરાજ જેવા શ્રાવકોના પ્રદાનની નોંધ લીધી હતી. ડો. સેજલબેન શાહે સાધ્વીજી દ્વારા જૈન સાહિત્ય ક્ષેત્રે કરાયેલાં
પ્રદાનની સવિસ્તાર છણાવટ કરી હતી. જાતને ગૌણ કરીને તેમજ પોતાના કાર્યનો શ્રેય પોતાના
ગુરુજીને આપનાર સાધ્વીજી ભગવંતોએ વિભિન્ન રૂપે કરેલાં સાહિત્યિક પ્રદાનની સદૃષ્ટાંત
છણાવટ કરી હતી. ગાયક શાંતિલાલ શાહના સ્તવનો વિશે કવિ ગુલાબભાઈ દેઢિયાએ રસપૂર્ણ વકતવ્ય
આપ્યું હતું.`એનો શણગાર
એની સાદગી રે લોલ' પંક્તિ ટાંકીને
કવિની કવિતાની સરળતા અને એમાં રહેલી ગંભીરતાની ઉદાહરણ સહિત છણાવટ કરી હતી. અંતિમ વકતવ્યમાં ડો. અભય દોશીએ જૈન સાહિત્યનો ગુજરાતી
સાહિત્ય પર કેવો પ્રભાવ પડયો છે એની અભ્યાસસંપન્ન વાતો કરી હતી. ગુજરાતી ભાષા પૂર્વે
અપભ્રંશ અવસ્થાથી માંડીને વર્તમાનકાળે કઈ રીતે જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યને પ્રભાવિત
કરી શક્યું છે એની આધાર સાથે ચર્ચા કરી હતી.
ઉપસ્થિત ભાવકોમાંથી મનસુખલાલ કેનિયા અને જ્હોન અબ્બાસ સોરઠિયાએ પોતાનો રાજીપો
વ્યક્ત કર્યો હતો. જ્હોને જૈન સાહિત્યના સંદર્ભમાં ઘણું પામીને જતા હોવાનો પરિતોષ વ્યક્ત
કર્યો હતો. અંતરનો રાજીપો વ્યક્ત કરતાં અધાએ આખા કાર્યક્રમની સફળતાનો શ્રેય ટીમ માનસીને
આપ્યો હતો. ચોતરફ જૈન ધર્મના નામે ચાલતા આરંભ
સમારંભો જોઈને વ્યથિત થઈ જવાય એવું વાતાવરણ છે, ત્યારે સ્વચ્છ
મનોઆહાર પીરસવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું
હતું. બાઉલ ગીત, ઉર્દૂ શાયરી અને તેજની કવિતાના ઉદાહરણ દ્વારા
વાત કરતાં આખા દિવસની ચર્ચાના અર્કરૂપ વાતો કરી હતી. વ્યવસ્થા ગીતાબેન ગાલા,
ગોરધનભાઈ પટેલ, રાપર કોલેજથી ગીગાભાઈ ભમ્મર વગેરે સંભાળી હતી.