• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

પુસ્તકો માનવીય સંવેદના અને ભાષાનું ઊંડાણ સમજવા માટેનું પ્રબળ માધ્યમ

ભુજ, તા. 29 : પુસ્તકો માનવીય સંવેદના, સામાજિક રચના, સંસ્કૃતિ અને ભાષાનું ઊંડાણ સમજવા માટેનું પ્રબળ માધ્યમ છે, એવો ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ફ્લામિંગો દ્વારા આયોજિત પુસ્તક દિનની ઉજવણી પ્રસંગે વક્તાઓએ સૂર વ્યક્ત કર્યો હતો. રોટરી ક્લબના સભાખંડમાં ક્લબના પૂર્વ પ્રમુખ પ્રાર્થન અંજારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ક્લબના વરિષ્ઠ સભ્ય અરુણભાઈ વછરાજાનીએ કહ્યું કે, પુસ્તક વિશ્વને બારીકાઈથી જોવાની બારી છે. તેમણે ગાંધીજી અને પુસ્તક ઉપર ઉદ્બોધન કરતાં ઉમેર્યું કે, એક વખત પુસ્તક હાથમાં લ્યો જિજ્ઞાસા આપોઆપ ઉદ્ભવશે. આ પ્રસંગે મુખ્ય વક્તા પૂર્વીબેન ગોસ્વામી (કચ્છમિત્ર)એ જણાવ્યું  હતું કે, પુસ્તકો ગઈકાલે યથાર્થ હતાં, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. તેમણે શેક્સપિયરથી લઈ ઝવેરચંદ મેઘાણી અને કારાણી સુધીના લેખકોના પુસ્તકોનું વિવરણ કરીને  ઉમેર્યું હતું કે, પુસ્તક સમાજને વિકસાવે છે, માટે અવશ્ય વાંચવાં જોઈએ. તેમણે સોશિયલ મીડિયા દ્વારા થઈ રહેલા કોપીરાઇટના લાભાલાભનું નિરૂપણ કર્યું હતું. પ્રમુખસ્થાનેથી પ્રાર્થનભાઈએ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાંતિલાલ સોનીએ વક્તાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે રોટરી કો-ઓર્ડિનેટર માલિંદ વૈદ્ય, ભરત મહેશ્વરી, વિમલ મહેતા, વિનુદાન ગઢવી, જયરાજાસિંહ જાડેજા હસ્તીન આચાર્ય, અશોક આચાર્ય વિગેરે ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. આભાર દર્શન મંત્રી દિનેશ રામાનુજે કર્યું હતું. 

Panchang

dd