• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

મોટી સિંધોડીમાં ભાજપના ત્રણ સ્થાનિક નેતા, મત 6 !

નલિયા, તા. 29 : અબડાસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ અનેક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને અબડાસા તાલુકાની સુથરી સીટ હેઠળ આવતાં સિંધોડી મોટીના મતદાને આશ્ચર્ય પામે એવું કર્યું છે. ભાજપના તાલુકાના ત્રણ-ત્રણ નેતાઓ, જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ચેરમેન, ઉપપ્રમુખ અને વર્તમાન તાલુકા ભાજપ મહામંત્રી તથા ગામના સરપંચનો સમાવેશ થાય છે તેવા ગામમાં ભાજપને મળેલો જનાદેશ આશ્ચર્યજનક રીતે ખૂંચી રહ્યો છે. અહીં તાલુકા પંચાયતની સીટ માટે ભાજપને માત્ર 6 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 418 અને અઈંખઈંખને 132 મત મળ્યા છે. જિલ્લા પંચાયતનાં પરિણામો પણ કઈંક આવા જ રહ્યાં છે. સિંધોડી મોટી ગામમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ 397 મત મળ્યા છે, જ્યારે ભાજપને 139 અને કોંગ્રેસને માત્ર 14 મત જ મળ્યા છે. આ સત્તાવાર આંકડાઓ સામે આવતાં જ રાજકીય આગેવાનો સહિત સામાન્ય લોકો પણ ચર્ચા કરતા થઇ ગયા છે. `ગામના ત્રણ  નેતાઓ છતાં ભાજપને માત્ર છ જ મત મળ્યા?' તેવી ચર્ચાઓએ અબડાસા તાલુકામાં જોર પકડ્યું છે અને આ ઘટના `ટોક ઓફ ધ ટાઉન' બની ગઈ છે. આ પરિણામો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યા છે. માત્ર છ મત એટલે જે નેતાઓ ગામમાં રહે છે તેમના પરિવારના સભ્યો કરતાં પણ ભાજપને ઓછા મત મળતાં સૌનું ધ્યાન ખેંચાયું હતું. 

Panchang

dd