• સોમવાર, 27 એપ્રિલ, 2026

ગરમી છતાં અંજાર અવ્વલ, બૂથ પર ભીડ લાગી

અંજાર, તા. 26 : તીવ્ર ગરમી અને ઊકળાટ વચ્ચે અંજાર  તાલુકા પંચાયતની 19 બેઠક   અને  જિલ્લા પંચાયતની ચાર   બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં મતદારોએ ઉત્સાહપૂર્વક  લોકાશાહીના પર્વમાં પોતાના કિંમતી મતની આહુતિ   હતી.   ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે   શાંતિપૂર્ણ રીતે  મતદાન  પૂર્ણ થયું હતું. તાલુકામાં સરેરાશ 70.65 ટકા મતદાન નોંધાયું હતું. વહેલી સવારે 7 વાગ્યાથી જ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના  મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી હતી. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ  ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની જાગરુકતા દર્શાવી હતી. સવારના ભાગે મતદાનનો પ્રવાહ સારો રહ્યો હતો. બપોર  બાદ  તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં મતદાનમાં થોડી મંદી નોંધાઈ હતી. અનેક સ્થળોએ મતદારોએ ગરમીની પરવા કર્યા વગર મતદાન મથકો સુધી પહોંચીને લોકશાહી પ્રત્યેની  પોતાની  પ્રતિબદ્ધતા દર્શાવી હતી.  અંજાર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી વીરા બેઠક પર ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં બાકીની 19 બેઠક માટે મતદાન યોજાયું હતું. આ  માટે કુલ 48 ઉમેદવારનું ભાવિ  મતપેટીમાં કેદ થયું હતું. ખાસ કરીને મોડસર અને ભીમાસર બેઠક પર ભારે રસાકસી જોવા મળી શકે છે, જેને લઈને રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો  હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, તો બીજી વહીવટીતંત્રના અધિકારીઓએ તમામ પ્રક્રિયા ઉપર સતત મોનિટરિંગ કર્યું હતું. મતદાન બાદ રાજકીય પક્ષ  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાની જીતના દાવા કર્યા હતા. ચૂંટણી પરિણામોને લઈને તાલુકાભરમાં ઉત્સુકતા વ્યાપી છે. આગામી 28મી એપ્રિલે પરિણામ જાહેર થયા બાદ અંજાર તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં રહેશે તે સ્પષ્ટ થશે. આ ચૂંટણીનાં પરિણામો માત્ર સત્તા બદલાવ નહીં, પરંતુ ગ્રામ્ય વિકાસની દિશા અને ગતિ નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અંજાર વિસ્તારમાં જિલ્લા પંચાયતની રતનાલ, ભીમાસર, ખેડોઇ અને વરસામેડી બેઠકની ચૂંટણીનાં મતદાનના દિવસે    લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ બેઠક પૈકીની  ભીમાસર જિલ્લા પંચાયતની બેઠકમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. કોંગ્રેસના ગઢ સમાન ભીમાસર વિસ્તારમાં ભાજપે આ બેઠક  અંકે જોરભેર કમર કસી હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.રાજકીય રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં હંમેશાંથી રાજકીય વગ ધરાવતી અને ભાજપનો ગઢ માનવામાં આવતી રતનાલ જિલ્લા પંચાયતની બેઠક પર ઉપર પણ ભારે રસાકસીભર્યા માહોલ વચ્ચે મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. નોંધપાત્ર છે કે, રતનાલ બેઠક ઉપર સૌથી વધુ પાંચ ઉમેદવારે પોતાની દાવેદારી નેંધાવી હતી. મતદારો કોની તરફેણમાં જનચુકાદો આપે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. મતદાન બાદ અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી.એન આહીર, મનજીભાઈ આહીર, આહીર સમાજના ઉદ્યોગપતિ અને ભીમાસર જિ.પં. બેઠકના પ્રભારી બાબુભાઇ હુંબલ, દુદાભાઇ બરાડિયા, કાનજીભાઈ શેઠ, રૂપાભાઈ રબારી, ગોપાલભાઈ ડાંગર સહિતનાઓએ ભાજપને અંજાર તાલુકા પંચાયતની તમામ 19 તેમજ અંજાર વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતની તમામ ચાર બેઠક પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.  

Panchang

dd