માંડવી, તા. 26 : લોકશાહી જાગૃતિમાં નોખી ભાત
પાડતા આ તાલુકાની 20 બેઠકોવાળી
તાલુકા પંચાયતની બેઠકો અને ચાર જિલ્લા પંચાયત બેઠકો માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે
પૂર્ણ થતાં હાશકારો લેવાયો હતો. તાલુકા પંચાયત માટેની ચૂંટણીમાં 67.58 ટકા એકંદર મતદાન થયું હતું.
1,13,915 મતદારો પૈકી 74,463 મતદાતાઓએ નાગરિક કર્તવ્ય જિલ્લા
પંચાયત ઉપર અદા કર્યું હતું. તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકો ભાજપના ખોળામાં પડતાં આજે
17 બેઠકો માટે મતદાન હાથ ધરાયું
હતું જ્યારે જિલ્લા પંચાયત માટે ચાર બેઠકો ઉપર મેદાને જંગ લડાયો હતો. યાદીમાં નામ નીકળી
ગયાં જેવી છૂટીછવાઇ ફરિયાદો સિવાય ક્યાંય અજંપા પરિસ્થિતિ જાણવા મળી નહોતી. જિલ્લા
પંચાયત માટે કોડાય બેઠક ઉપર લઘુતમ (61.41), જ્યારે તલવાણા બેઠક ઉપર મહત્તમ (65.86) આંક નોંધાયો હતો. જિલ્લા પંચાયતની
બેઠકોની સરેરાશ ટકાવારી 65.19 જ્યારે તા.પં.
માટે 67.68 અંકિત થઇ હતી. તાલુકા પંચાયત
ઉપર સૌથી વધારે (80.21) નાના
ભાડિયા સીટ ઉપર જ્યારે સૌથી ઓછું (50.22) મતદાન મોટી રાયણ સીટ ઉપર થયું હતું. બિદડા-2 તા.પંચાયતની બેઠક બિનહરીફ ગયા પછી આજે બિદડા-1 બેઠક માટે 56.68 ટકા મતદાન કલ્પનાતીત ગણાયું
હતું. ગૌચર જમીન સંબંધે કાઠડા વિસ્તારમાં આકરાપાણીએ આવેલા ગ્રામજનોએ પ્રારંભિક બહિષ્કાર
જાહેર કર્યા પછી અંતે મતદાન કરવા સંબંધે હકારાત્મકતાને પરિણામે આજે 2540માંથી 1922 મતદાતાઓએ ઉત્સાહ દર્શાવતાં
75 ટકા મતદાન સંભવ બન્યું હોવાનું
જાણવા મળ્યું હતું. નાના ભાડિયા બેઠક ઉપર 3724માંથી 2987 કુલ મતદારોએ
જાગૃતિ દર્શાવી મોખરે રહ્યા હતા. આજે સવારથી ગ્રામ્ય વિસ્તારના મતદારો અને શહેરી મતદાતાઓ
લગભગ સરખેસરખી ગતિએ રહ્યા હતા. તાલુકા પંચાયત બેઠકોમાં બાગ, ગુંદિયાળી, નાના ભાડિયા,
મોટી મઉં, કાઠડા, દરશડી,
શેરડી અને તલવાણા બેઠકો ઉપર 70 ટકા કરતાં વધારે મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયત બેઠકો પૈકી
બિદડા 65.77, ગઢશીશા 65.44, કોડાય 62.45 અને તલવાણા 65.86 મતદાન ટકાવારી જાણવા મળી હતી.
રાજકીય વિશ્લેષકોએ જાણભેદુઓની રગ દબાવીને કાઢેલા કયાસને આગળ કરતાં કહ્યું હતું કે, વ્યક્તિગત ગમોઅણગમો, નો
રિપીટનું ધોરણ અખત્યાર કરાતાં મનમાં શમી ગયેલા મુરતિયાઓ અને તેમના ટેકાદારોએ દર્શાવેલી
સુસ્તી કે ઘરે બેસી દેખાવ કરવાની મનોવૃત્તિ ઉપરાંત ગરમીના પારાએ ધાર્યા પ્રમાણે મતદાનની
ટકાવારીને બાંધી રાખી છે. કેટલીક જગ્યાએ ઘરના ઘાતકી થયા હોવાના ઉધામા બંને પક્ષોમાંથી
દબાતાં બહાર આવ્યા હતા. કોણે કોને કેટલી હદે વધેરેલ છે એ માટે દાણો દબાઇ રહ્યો છે.