• સોમવાર, 27 એપ્રિલ, 2026

સઘન બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન

ભુજ, તા. 26 : આગ ઝરતી ગરમી વચ્ચે મતદાન મથકે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી વિવિધ મતબૂથ પર પોલીસ અને હોમગાર્ડ સહિતનો સઘન બંદોબસ્ત નજરે પડયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ પણ ભુજના કોડકી રોડ સ્થિત ભીમરાવનગર પ્રાથમિક શાળા, હાથીસ્થાન સ્કૂલ, પાટવાડી વિસ્તાર, દરબારગઢ, ઇન્દ્રાબાઇ સ્કૂલ, વાણિયાવાડ સ્કૂલ પરના મતબૂથ પર જઇ ચકાસણી સાથે તૈનાત જવાનોને સૂચન કર્યાં હતાં. બૂથની આસપાસ કામ વિના ઊભા રહેલા લોકોને દૂર કરવા પોલીસ કર્મચારીઓને જણાવતાં કાર્યવાહી થઇ હતી. આ ઉપરાંત આ જ રીતે ભુજના સંવેદનશીલ બૂથ પર પણ આવી કાર્યવાહી જોવા મળી હતી. પોલીસવડાએ વડીલો અને અશક્ત લોકોને બૂથ સુધી પહોંચાડવા તૈનાત પોલીસ કર્મચારીઓને જણાવ્યું હતું. પોલીસવડા શ્રી સુંડા નખત્રાણા પણ ગયા હતા. માંડવી તાલુકાના મોટી રાયણ અને ખાવડા રતડિયા ગામે મતદાન માટે આવેલા વૃદ્ધાને ચાલવામાં મુશ્કેલી હોવાથી પોલીસે તેને ઊંચકીને મતદાન સુધી પહોંચાડી માનવતા દાખવી હતી. આવી જ માનવતા અને સેવાનું વધુ એક દૃશ્ય ભુજ શહેરમાં પણ જોવા મળ્યું હતું, જેમાં ચાલી ન શકનાર એક શખ્સને પણ પોલીસે આ રીતે જ ઊંચકી મતદાનરૂમ સુધી પહોંચાડયો હતો. આ જ રીતે પૂર્વ કચ્છમાં ગાંધીધામની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 13ના કિડાણા કન્યા શાળા ખાતે મતદાન માટે આવેલા એક વિકલાંગને પણ ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીએ ઉપાડીને સુરક્ષિત રીતે મથક સુધી પહોંચાડી માનવતાભરી સેવા આપી હતી. આજે મતદાન દરમ્યાન પશ્ચિમ કચ્છમાં બંદોબસ્તની વાત કરીએ, તો પોલીસવડાની સાથે-સાથે ચાર નાયબ પોલીસ અધીક્ષક, 25 પોલીસ ઇન્સ્પેક્ટર અને 45 પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત 1217 અન્ય પોલીસ કર્મચારી અને હોમગાર્ડ તથા જીઆરડીના 1279 જવાન મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોતાની ફરજ પર તૈનાત હતા. 

Panchang

dd