• બુધવાર, 08 એપ્રિલ, 2026

નર્મદા યોજના હેઠળ સિંચાઇ માટે વધુ લાભની માંગ

નખત્રાણા, તા. 7 : દુર્ગમ કચ્છ પ્રદેશમાં ખેતી અને પશુપાલન આધારિત વ્યવસાય મહત્ત્વનાં સોપાન છે, ત્યારે સિંચાઇ માટે નર્મદાનાં વધારાનાં નીર મળી રહે તે માટે ભારતીય કિસાન સંઘના પ્રદેશ તથા કચ્છ જિલ્લાના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના અધીક્ષક ડી.પી. બારોટ સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુનમસિંહ જાડેજાની હાજરીમાં બેઠક યોજી હતી. સચિવાલય કચેરીએ યોજાયેલી આ બેઠકમાં નર્મદાનાં વધારાનાં નીરથી કચ્છના ડેમ- તળાવો ભરવા પ્રશ્ને મહત્ત્વની ચર્ચા કરાઇ હતી. અધિકારીએ હકારાત્મક વલણથી કચ્છના ખેડૂતોની રજૂઆતને ન્યાય અપાશે, તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ વિકાસલક્ષી નર્મદાનાં નીર સિંચાઇ માટેની યોજના સાકાર થઇ રહી છે, તેમ જણાવતાં  જિલ્લાના છેવાડાના સરહદી અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, લખપત તાલુકાના ખેડૂતો માટે મહત્ત્વની પુરવાર થશે તેવું ઉમેર્યું હતું. આ મુદ્દે કિસાન અગ્રણીઓ સાથે ચીફ સચિવ શ્રી બારોટ સમક્ષ વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત ભા. કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ શામળાભાઇ, જિલ્લા પ્રમુખ કરમણભાઇ ગાગલ, મહામંત્રી વાલજીભાઈ લીંબાણી, કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ લીંબાણી, જળ આયામ પ્રમુખ ભીમજીભાઇ કેરાસિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરેજ કેનાલ લંબાવવાની યોજના સહિત સૂચનો કરાયાં હતાં. કાંઠાળ વિસ્તારોમાં નર્મદાનાં પાણીથી ડેમ, તળાવો ભરવાની યોજના સાકાર થઇ રહી છે, ત્યારે બાકીનાં રહી જતાં મોટાં તળાવોને યોજનામાં સમાવિત કરવા તથા યોજનાનો લાભ સત્વરે મળે તેવી રજૂઆત કરાઇ હતી. 

Panchang

dd