અંજાર, તા. 2 : અહીંની નગરપાલિકામાં વિવિધ
વિસ્તારોમાં પીવીસી પાઈપલાઈન નાખવાની કામગીરી અંગે ગત ટર્મમાં કારોબારી બેઠકમાં કથિત
વિવાદીત ટેન્ડર ન ખોલવા માટે સભ્યોએ અસહમતિ દર્શાવી હોવા છતાં ટેન્ડર પ્રક્રિયા આગળ ધપાવવાની હિલચાલ મુદે પાલિકાના જવાબદારો સામે વિપક્ષે
સવાલો ઉઠાવ્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પીવીસી પાઈપલાઈન નાખવાની કામગીરી એજન્ડા ઉપર થોડા સમય અગાઉ
મળેલી કારોબારી સમિતિની બેઠક ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં ઓફલાઈન ટેન્ડર મુદે સવાલ
ઉઠતા તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. દરમ્યાન સુચિત કામો
અગાઉથી થઈ ચૂક્યા હોવા છતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાની સમિતિના સભ્યએ કથિત આક્ષેપ કરી થર્ડ પાર્ટી દ્વારા
તપાસ સહિતની માંગ કરાઈ હતી. સમિતિના સભ્યોએ કામ ન ખોલવા લેખિતમાં રજૂઆત પણ કરી હતી.
દરમ્યાન જિલ્લા કેંગ્રેસના મહામંત્રી અરજણભાઈ
ખાટરિયાએ ગંભીર કથિત આક્ષેપો કરી પાલિકા વહીવટદાર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. વિપક્ષે
લેખિતમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિની
સહમતિ ન હોવા છતાં ટેન્ડર ખોલાવાની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા હતા. વધુમાં તેમણે
ઉમેર્યું હતું કે ખુદ શાસકપક્ષ અને સમિતના
સભ્યએ પક્ષની છબી ન ખરડાય વિગેરે વાત સાથે
ગેરરીતિના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં સત્તાધીશો દ્વારા આ પ્રકરણમાં
તપાસ કરવાની જગ્યાએ ટેન્ડર પ્રક્રિયા આગળ ધપાવવામાં
આવી છે. આ અંગે યોગ્ય તપાસ કરી યોગ્ય કરવા
માંગ કરાઈ હતી.