• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

અંજારમાં અખંડ હનુમાન ચાલીસા પાઠ અને દશાંશ હોમાત્મક યજ્ઞનો આરંભ

અંજાર, તા. 2 : સર્વ જીવ કલ્યાણ અને પર્યાવરણની શુદ્ધિના ઉમદા હેતુ સાથે અંજારમાં મારૂતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીર હનુમાનજી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં ટ્રસ્ટ દ્વારા સતત 16મા વર્ષે 24 કલાક સંગીતમય અખંડ હનુમાન ચાલીસા પાઠ અને દશાંશ હોમાત્મક યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞના આરંભે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, લાલ ટેકરીવાળા મનીરામ મહારાજ, અંજાર બગથડા યાત્રાધામના મહંત ખીમજીદાદા માતંગ અને ભાગવતાચાર્ય દિનેશભાઈ રાવલ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. ત્રિકમદાસજી મહારાજે કહ્યું હતું કે, હનુમાનજી કળિયુગ જેવા કપરા સમયમાં પણ ભક્તોના દુ:ખ અને પીડાને હરવા હંમેશાં પ્રત્યક્ષ સ્વરૂપમાં છે. આર.એસ.એસ.ના અગ્રણી જયંતીભાઈ નાથાણીએ આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનાં આયોજનથી સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય છે. અંજાર લોહાણા મહાજનના પ્રમુખ પીન્ટુભાઇ ચંદેએ જણાવ્યું હતું કે, કળિયુગમાં હનુમાનજીની ઉપાસના સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છના પૂર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કરે હનુમાન ચાલીસામાં તમામ પ્રકારના કષ્ટો દૂર કરવાની અમોઘ શક્તિ છે. ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી વસંતભાઈ જેઠાલાલભાઈ કોડરાણીએ છેલ્લાં 15 વર્ષથી ચાલી આવતી આ પરંપરાના 16મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. આ અંતર્ગત 24 કલાક સુધી સંગીતના સથવારે હનુમાન ચાલીસાના અખંડ પાઠ ચાલશે તેમજ આવતીકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે દશાંશ હોમાત્મક યજ્ઞ યોજાશે, જેમાં આહુતિઓ આપી પર્યાવરણની શુદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ ટ્રસ્ટીઓ સ્વ. ભીખુભા જાડેજા અને સ્વ. જેરામભાઈ રાવલિયાની સેવાકીય પ્રવૃત્તિઓના સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા. સંચાલન વિનોદભાઈ ખોડિયારે કર્યું હતું.  

Panchang

dd