ગાંધીધામ, તા. 2 : ભારતના દરિયાઈ ક્ષેત્રના ગૌરવને
ઉજાગર કરતા 63મા મેરિટાઈમ-ડેની ગાંધીનગર ખાતે ઉજવણી કરાઈ
હતી. મેરિટાઈમ- ડેની ઉજવણીની પરંપરા દેશના શિપિંગ,
પોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્રના હિતધારકોને એકત્રિત કરી મેરિટાઈમ સેક્ટરની
ભૂમિકા ઉપર પ્રકાશ પાડે છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે,
ભારત માટે દરિયાઈ વેપાર દેશની
આર્થિક રીઢ સમાન છે. મેરિટાઈમ ઈન્ડિયા વિઝન દ્વારા ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે,
તેવું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ,
દીનદયાલ પોર્ટ ઓથોરિટી-કંડલા, ગાંધીધામ ચેમ્બર
ઓફ કોમર્સ, અદાણી દહેજ પોર્ટ અને વિવિધ પોર્ટ અને શિપિંગ ક્ષેત્રની સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત
રહ્યા હતા. એમ.એમ.ડી.ના જોઈન્ટ ડાયરેકટર સંતોષકુમાર દારોકરે જણાવ્યું હતું કે,
ભારતનું મેરિટાઈમ સેક્ટર વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહ્યું છે. કચ્છ જેવા પોર્ટ આધારિત
વિસ્તારમાં તેમણે વધુ સંકલન ઉપર ભાર મૂક્યે
હતો. આ વેળાએ પિનિંગ સેરેમનીમાં મહેમાનોને મેરિટાઈમ-ડેના પ્રતીક રૂપ પિન આપવામાં આવી
હતી. આ પિન દરિયાઈ વેપાર અને રાષ્ટ્ર વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. રાજભવન ખાતે
ખાસ સમારોહ યોજાયો હતો, જેમાં ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તીર્થાણી,
ડીપીએના સેક્રેટરી યોગેશકુમાર સિંઘ, અદાણી દહેજ
પોર્ટના પંકજ ઉકે, માંડવી વહાણવટા ક્ષેત્રના અગ્રણી આદમભાઈ ધોબી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને અલગ પિનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, વન
પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પિન અર્પણ કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત દેશના દરિયાઈ વેપારમાં અગ્રણી
રાજ્ય તરીકે ઊભરી રહ્યું છે. પોર્ટ શિપિંગ અને લોજિસ્ટિક ક્ષેત્રના સશક્ત વિકાસ માટે
રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મેરિટાઈમ-ડે
દેશના આર્થિક વિકાસના આધારસ્તંભ સમાન સેક્ટરની પ્રતિભાને ઉજાગર કરતો મહત્ત્વપૂર્ણ અવસર
છે. કચ્છના કંડલા અને મુંદરા જેવા પોર્ટ દેશના વેપારને નવી દિશા આપી રહ્યા હોવાનું કહ્યું હતું. આ ઉજવણી અંતર્ગત
ગાંધીધામ મહાનગરમાં ચાર કિલોમીટરની મેરિટાઈમ
દોડ, સાઈક્લોથોન
અને યોગ શિબિર જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.