ભુજ, તા. 2 : ગઇકાલે રાતે શહેરના જીઆઇડીસી
પાસેના હંગામી આવાસ ખાતે યુવાઓનાં બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે મારામારી થતાં અમુક
ઘાયલ થયા હતા. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. સબીર હુસેન સમાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ આરોપી સરફરાજ ઇબ્રાહીમ પીંજારાએ કહ્યું કે, તું અમારા સ્ટંટવાળા વીડિયો કેમ વાયરલ કરે છે અને ગાળાગાળી કરી આરોપી સરફરાજ
ઉપરાંત અનવર ઇસ્માઇલ મીઠા, કરીમ મામદ ઢોસાએ મળીને ધકબૂસટનો માર
મારતાં ફરિયાદીએ સરફરાજને છરી મારી હતી. ફરિયાદીનો મિત્ર ઇલિયાસ છોડાવા આવતાં આરોપી
અલ્તાફ ઇબ્રાહીમ પીંજારા આવીને ઇલિયાસને ધોકો ફટકાર્યો હતો જ્યારે આ જ બનાવને લઇને
સુલેમાન ઉર્ફે સરફરાજ ઇબ્રાહીમ પીંજારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સબીર ઉર્ફે અપ્પુ
હુસેન સમાએ ફરિયાદીને કહ્યું કે, મારા બાકી રૂપિયા આપી દે અને
ગાળો આપી હતી. આરોપી સબીર અને સાકીર હુસેન સમાએ ધકબૂસટનો માર માર્યો હતો. સબીરે છરી
મારી હતી. ફરિયાદીનો ભાઇ અલ્તાફ ત્યાં આવતાં આરોપી ઇલિયાસ ખાનમામદ સમાએ તેને મોઢાં
તથા હાથના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. બી-ડિવિઝન પોલીસે બંને ફરિયાદ નોંધી તપાસ
હાથ ધરી છે.