• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ભચાઉ પોલીસ મથકે લુંટારુ દુલ્હન સહિત બે તહોમતદાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 2 : ભચાઉ તાલુકાનાં આમરડીમાં યુવાન સાથે છેતરપિંડી કરનારી લૂંટારુ દુલ્હન સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આમરડીમાં કરિયાણાની દુકાન ચલાવતા ભરતભાઈ પિંતાબરભાઈ લુહારે આરોપી  સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ તથા ગંગાબેન રમેશભાઈ પટેલ વિરદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાના પુત્ર મનીષનાં લગ્ન માટે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ફરિયાદીએ છોકરી પક્ષના પરિવારને  રૂા. બે લાખ આપવાની  સહમતી આપી હતી. બંને પરિવાર વચ્ચે બેઠક  બાદ લગ્ન અંગે સહમતી થઈ હતી. છોકરી પક્ષે લગ્નનાં કપડાં લેવા માટે રૂા. 15 હજાર માગ્યા હતા, જે ફરિયાદીએ ચૂકવી આપ્યા હતા. લગ્ન થયા બાદ કન્યાપક્ષને ફરિયાદીએ રોકડા રૂા.1.85 લાખ ચૂકવી આપ્યા હતા. દરમ્યાન થોડા દિવસ બાદ લગ્ન કરીને આવેલી આરોપી સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલે અગાઉ ચોપડવા ગામના મહેશ મોહનભાઈ પરમાર  સાથે  નિશાબેન  કરનભાઈ કાલિયાનું ખોટું નામ ધારણ કરીને ખોટા આધારકાર્ડ સાથે  લગ્ન કરાર કરી રોકડા રૂા. 2.10 લાખ લઈને છેતરપિંડી કરી હોવાનુ ધ્યાને આવ્યું હતું. લગ્ન કરનારી આરોપી યુવતીએ આ જ પ્રકારે ફરિયાદીના પુત્ર સાથે ખોટા દસ્તાવેજ  પુરાવા સાથે લગ્ન કરીને છેતરપિંડીના ગુનાને તા. 29-3ના અંજામ આપ્યો હતો. નાણાં પડાવા માટે ગુનાહિત કાવતરું રચી ખોટા દસ્તાવેજને સાચા તરીકે પ્રસ્થાપિત કરી નાણાંકીય  છેતરપિંડી કરનારા બે આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

Panchang

dd