મુંદરા, તા. 2 : ભારતની સૌથી મોટી સ્વચ્છ નવીનીકરણીય
ઊર્જા ઉત્પાદક અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણાંવર્ષ 2025-26ના અંતે 5 ગિગાવોટથી
વધુ (5,051 મેગાવોટ) નવીનીકરણીય ઊર્જા
ઉત્પાદનની ક્ષમતા ઉમેરી તેના કુલ કાર્યરત પોર્ટફોલિયોને 19.3 ગિગાવોટ સુધી પહોંચાડવા સાથે
ચીનના અપવાદને બાદ કરતાં તેણે વૈશ્વિક સ્તરે અન્ય કોઈ પણ કંપની કરતાં સૌથી વધુ ગ્રીનફિલ્ડ
વાર્ષિક ક્ષમતા વિસ્તરણ હાંસલ કર્યું છે. આ નવી ક્ષમતામાં 3.4 ગિગાવોટ (3,409 મેગાવોટ) સૌર, 0.7 ગિગાવોટ
(686 મેગાવોટ) પવન અને 1 ગિગાવોટ (956 મેગાવોટ) પવન-સૌર હાઇબ્રિડ
ક્ષમતાનો સમાવેશ થાય છે. આ સાથે કંપની વાર્ષિક ધોરણે લગભગ 10 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને
સરભર કરશે તેવી અપેક્ષા છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના કુલ 19.3 ગિગાવોટના કાર્યરત પોર્ટફોલિયોનાં
પરિણામે વાર્ષિક 36 મિલિયન ટન
કાર્બન ઓફસેટ થશે. કંપની દ્વારા કચ્છના ખાવડામાં
ઝડપી ગતિએ વિકસાવવામાં આવી રહેલ વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઊર્જા પ્લાન્ટમાં આમાંની મહદ હિસ્સાની નવી ક્ષમતા કાર્યરત કરવામાં
આવી છે. ખાવડાના આ પ્રકલ્પમાં 2029 સુધીમાં આયોજિત 30 ગિગાવોટમાંથી અદાણી ગ્રીને
પહેલાંથી જ આ સ્થળે 9.4 ગિગાવોટ
(9,413 મેગાવોટ)ની સંચિત ક્ષમતા સ્થાપિત
કરી છે. વધુમાં, કંપનીએ ખાવડામાં વિશ્વની
સૌથી મોટી સિંગલ-લોકેશન ડિપ્લોયમેન્ટમાંની એક એવી પ્રારંભિક 1,376 મેગાવોટ પ્રતિ કલાક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સની સુવિધા પણ ઓનલાઈન
કરી છે. સાઇટ પર કામ શરૂ કર્યાના આઠ મહિનામાં આ ક્ષમતા કાર્યરત કરાઈ હતી. અદાણી ગ્રીન
એનર્જી લિ.ના એક્ઝિ. ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, પાંચ ગિગાવોટથી વધુ નવી ક્ષમતાનો કંપની દ્વારા
થયેલો ઉમેરો ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બનવા સાથે
દેશને સ્વચ્છ ઊર્જા સંક્રમણ ક્ષેત્રનું નેતૃત્વ કરવાના વૈશ્વિક નકશા પર મજબૂત રીતે
મૂકે છે. 2030 સુધીમાં 50 ગિગાવોટના લક્ષ્યવેધ હાંસલ
કરવા તરફની વિકાસયાત્રાને આ સીમાચિહ્ન મજબૂત બનાવશે.