ભુજ, તા. 2 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું
જાહેરનામું રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર થતાં જ કચ્છમાં ચૂંટણી જંગનો ધમધમાટ શરૂ થઈ
ચૂક્યો છે. ભાજપ દ્વારા આયોજિત સેન્સ પ્રક્રિયામાં આજે પ્રથમ દિવસે 669 દાવેદારની અરજી આવી છે. ભારતીય
જનતા પાર્ટી દ્વારા આયોજિત સેન્સ પ્રક્રિયા અંતર્ગત પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો આવ્યા
છે. આજે પ્રથમ દિવસે અંજાર ખાતે હિરેનભાઈ હીરાપરા,
જયસિંહભાઈ પરમાર, શ્રદ્ધાબેન રાજપૂત અને ભુજ ખાતે
બળવંતસિંહ રાજપૂત, સરદારભાઈ ચૌધરી અને વસુબેન ત્રિવેદી નિરીક્ષકો
દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બે દિવસ ચાલનાર સેન્સ પ્રક્રિયાના
તાલુકાવાર ચોક્કસ આંકડાઓ આવતીકાલે સાંજે સંપૂર્ણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ
થશે, પરંતુ આજે અત્યાર સુધી પ્રાપ્ત થયેલ વચગાળાના આંકડાઓ મુજબ
કુલ 669 દાવેદારની અરજી આવી છે. અંજાર
ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અંજાર તાલુકા અને જિલ્લા પંચાયત, રાપર તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ભચાઉ તાલુકા
અને જિલ્લા પંચાયતના દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં અત્યાર સુધી ઉપરોક્ત ત્રણેય તાલુકાઓ
વચ્ચે સંયુક્તપણે 309 અરજીઓ આવેલી
છે. કચ્છ કમલમ્ ભુજ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં
માંડવી નગરપાલિકા, માંડવી તાલુકા
અને જિલ્લા પંચાયત, અબડાસા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ લખપત
તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારોની સેન્સ પ્રક્રિયામાં અત્યાર સુધી ઉપરોક્ત ત્રણેય
તાલુકાઓ વચ્ચે સંયુક્તપણે 360 અરજીઓ આવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન
ગઢવીની યાદીમાં જણાવાયું છે.