• શનિવાર, 04 એપ્રિલ, 2026

જિલ્લામાં વિવિધ સ્થળોએ કમોસમી વરસાદી માહોલ

ભુજ, તા. 2 : હવામાન ખાતાની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષોભની અસર તળે જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી-માવઠાં જેવો વરસાદી માહોલ છવાયો હતો. દિવસભર વાદળછાયાં વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કેટલાક સ્થળોએ હળવાં છાંટા, તો કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. નાના ધંધાર્થીઓએ ચીજવસ્તુઓને પલળતી બચાવવા માટે પ્લાસ્ટિક ઢાંક્યા હતા. - ભુજમાં વાદળિયું વાતાવરણ : વરસાદની આગાહી વચ્ચે તાલુકા મથક ભુજમાં દિવસભર ધાબડિયો માહોલ જોવા મળ્યો હતો. ઠંડા પવનોથી ગરમીમાં મહદઅંશે રાહત મળી હતી. - પચ્છમ પંથકમાં માવઠું : સવારથી જ સમગ્ર પચ્છમ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે ખાવડામાં ગાજવીજ સાથે પડેલા ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. દિવસભર ધાબડિયું વાતાવરણ રહ્યું હતું. - નાના ધંધાર્થીઓએ પ્લાસ્ટિક ઢાંક્યા : મોટી વિરાણીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી છાંટા પડવા લાગતાં શાકભાજી વેચતા નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શાકભાજીને વરસાદથી બચાવવા પ્લાસ્ટિક ઢાંક્યા હતા. - કુકમામાં વાદળિયું વાતાવરણ : કુકમામાં તડકાની આવ-જા વચ્ચે મહદઅંશે વરસાદી માહોલ રહ્યો હતો. વાદળિયા વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. - ચંદ્ર આસપાસ તેજસ્વી વાડો : વરસાદી માહોલ વચ્ચે રાત્રે આકાશમાં ચંદ્રની આસપાસ તેજસ્વી વાડો જોવા મળ્યો હતો. નખત્રાણામાં સ્થાનિકો આ નજારો જોવા ઘરની બહાર નીકળ્યા હતા. અહીંના પીયૂષભાઇ રૈયાણી દ્વારા આ દૃશ્ય કેમેરામાં કેદ કરાયું હતું. 

Panchang

dd