• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

પુત્રીએ પિતાને પૂછયું, `તમે જીવો છો ?'

વર્ષ 2001નો એ પ્રજાસત્તાક દિવસ. રહેવાનું અમારું રાપર. હું અને અમારા સ્વયંસેવક બંધુઓ દેનાબેંક પાસેના ચોકમાં ભારતમાતા પૂજનના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જોરદાર ધડાકાનો અવાજ આવ્યો, ધરતી ધ્રૂજવા માંડી, ધૂળ ઊડવા માંડી, તરત ખ્યાલ આવ્યો કે ભૂકંપ છે, એટલે અમે બધા ઘર તરફ દોડયા, મેં મારા ઘેર આવીને જોયું તો મારા પત્ની ઊભા-ઊભા બાજુનાં બિલ્ડિંગો જોઇ રહ્યા હતા, તેને સાવધાન કરી ખુલ્લામાં દોડી જવા કહ્યું. હવે ચિંતા હતી મારી ત્રણ દીકરીની, એકને વિદ્યાનગર ભણવા મોકલી હતી, પરંતુ બીજી બંને નાની દીકરીને દરબારગઢમાં ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા મોકલેલી. તેમને લેવા હું તરત દોડયો, બંને મને રસ્તામાં સામે દોડીને આવતી દેખાઇ અને ગભરાયેલા અવાજે કહ્યું કે, ત્યાં કેટલીક છોકરીઓ દીવાલ નીચે દબાઇ ગઇ છે, એટલે મારી પુત્રીઓને ઘરે મોકલી હું એ છોકરીઓને બચાવવા નીકળ્યો. દીવાલ નીચે તરફડતી બાળાઓને જોયાનું એ દૃશ્ય આજે પણ નજર સમક્ષ યાદ આવી જાય છે. આજુબાજુથી બીજા ભાઇઓની મદદથી એ બાળાઓને બહાર કાઢી, રેંકડી (હાથલારી)માં સુવાડીને હોસ્પિટલ માટે લઇ ગયા. તાત્કાલિક શું કરવું, કંઇ સૂઝતું ન હતું. સામખિયાળીમાં એક જગ્યાએ ટેલિફોન ચાલુ જોયો, એટલે ત્યાંથી રાજકોટ સંઘ કાર્યાલયે ફોન કરીને કચ્છના ભૂકંપની સ્થિતિ વર્ણવી અને રાહત મોલકવા જાણ કરી, એ પછી હું અને મારા મિત્ર અંબાવી પટેલ વિદ્યાનગર ભણતી અમારા બંનેની દીકરીઓને લેવા નીકળી ગયા. અમને જોઇને અમારી દીકરીઓ તો નવાઇ પામી અને બોલી કે, `તમે જીવો છો ? મારી મમ્મી, બહેનો બધાં જીવે છે ?' એ તો કહે, અહીં એવી અફવા ફેલાઇ હતી કે, કચ્છ આખું નષ્ટ થઇ ગયું છે અને બધા લોકો મૃત્યુ પામ્યા છે ! બંને દીકરીને લઇને અમે રાપર પરત આવ્યા અને સંઘની રાહત-વિતરણ વ્યવસ્થામાં પરોવાઇ ગયા. 15-20 દિવસ ઘર કે દુકાનની ચિંતા કર્યા વગર માત્ર વ્યવસ્થામાં જ સેવા આપી. બે પ્રસંગ મારી નજર સમક્ષ તરવરે છે. એક ગઢની દીવાલ નીચે દબાયેલી દીકરીઓનું દૃશ્ય અને બીજું અમારી દીકરીઓએ અમારા જીવતા હોવા વિશે પૂછેલો આશ્ચર્યજનક સવાલ. (સત્ય ઘટનાનું વર્ણન કરનાર રાપરના વસંત મોરબિયા ફોટોગ્રાફી વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની ત્રણ પુત્રી પૈકી એકનાં લગ્ન થઇ ગયાં છે અને બીજી બંનેએ દીક્ષા ગ્રહણ કરી છે.) 

Panchang

dd