• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સાંયરા ગામ તળાવમાંથી ખાનગી કંપની દ્વારા રસ્તો બનાવાતાં લોકોમાં રોષ

દયાપર (તા. લખપત)તા. 20 : તાલુકાના સરહદી સાંયરા ગામનાં તળાવમાંથી એક ખાનગી કંપનીએ પોતાનાં વાહનો માટે રસ્તો બનાવતાં ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મામલતદાર, પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. 65 ગ્રામજનોની સહીવાળા પત્રમાં સુરૂભા દેશરજી જાડેજા અને અગ્રણીઓ તથા તા.પં. પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા સહિત મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે, ભારે કેમિકલ અને નમક પરિવહન કરતાં વાહનો સર્વે નં. 6, 16, 17 અને 31માંથી પસાર થઈ રહ્યાં છે. સર્વે નં. 6 તથા 17માં તળાવ આવેલું છે, જે પશુધનને ઉપયોગી છે. કંપની દ્વારા કોઈ પણ મંજૂરી લીધા વગર તળાવમાંથી રસ્તો બનાવાયો છે. સાંયરાથી ઘડુલી હાલમાં જ નવા ડામર રોડની મરંમત થઈ છે, જેની વહન ક્ષમતા 8થી 10 ટન છે. આ ભારે વાહનોની સતત અવરજવર અને ઓવરલોડથી રસ્તો ખરાબ થશે. ભારે  વાહનો પસાર થતાં માલિકીનાં ખેતરોમાં `ડસ્ટ' ઊડે છે. પાણીની લાઈનો વારંવાર તૂટે છે. વળી આ કંપનીના ડ્રાઈવર તથા કર્મચારીઓને સરહદના ગામડાંમાંથી પસાર થતા પહેલાં આધારકાર્ડ અને જરૂરી પુરાવા ચેક કરવામાં  આવે તે સુરક્ષા માટે જરૂરી છે. કંપની દ્વારા ગેરકાયદેસર રસ્તો બંધ નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની ચીમકી પત્રમાં અપાઈ છે. 

Panchang

dd