• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

ભુજમાં જૂના રોડ પર જ ડામરના થર ચડાવાતાં અકસ્માતનો ભય

ભુજ, તા. 13 : શહેરમાં  હાલમાં વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ મરંમતની સાથે નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે, આ કામગીરીની  પદ્ધતિ સામે શહેરના જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જાગૃત નાગરિક મિતેષભાઈ શાહે તંત્રની કાર્યપદ્ધતિ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, નવા રોડ બનાવતી વખતે જૂના રોડને ખોદવાને બદલે તેના પર જ ડામરના નવા થર ચડાવી દેવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા હયાત રોડ પર જ ડામર પાથરવામાં આવતાં રોડની સપાટી તેના મૂળ લેવલ કરતાં ઘણી ઊંચી આવી ગઈ છે. આના પરિણામે રોડની વચ્ચે આવેલા ડિવાઈડર અને નવો બનેલો રોડ એક સમાન લેવલ પર આવી ગયા છે. ડિવાઈડરની ઊંચાઈ નહિવત થઈ જવાથી વાહનચાલકો ગમે તે દિશાએથી વાહન વાળી લેતા હોય છે અથવા અજાણતા બીજી તરફ ઊતરી જતા હોય છે, જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ ઊભી થઈ છે. જૂના રોડને વૈજ્ઞાનિક ઢબે ખોદીને નવા રોડ બનાવવા જોઈએ જેથી લેવલ જળવાઈ રહે, અથવા તો વધેલી ઊંચાઈ મુજબ રોડ વચ્ચેના ડિવાઈડરને પણ ઊંચા કરવા જોઈએ જેથી વાહનોની અવરજવર નિયંત્રિત રહે. જો તાત્કાલિક ધોરણે આ ક્ષતિ સુધારવામાં નહીં આવે, તો રાત્રિના સમયે કે વળાંક પર મોટા અકસ્માતો સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી ઘટતું કરે તેવી લોક માંગ ઊઠી છે.  

Panchang

dd