ભુજ, તા. 13 : જિલ્લા પંચાયત કચેરીના જિલ્લા
પ્રોગ્રામ અધિકારી દ્વારા તાલુકાના ચુનડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત દરમ્યાન
ક્ષતિઓ નોંધાઈ હતી. આઈસીડીએસ ડી.ડી. પંડયાની મુલાકાત દરમિયાન સવારે 10:15 વાગ્યે આંગણવાડી કેન્દ્ર બંધ
હાલતમાં જોવા મળ્યું હતું. આંગણવાડી કાર્યકર અને તેડાગરની કોઈ પણ પૂર્વ મંજૂરી કે જાણ
કર્યા વિના ગેરહાજરી નોંધાઈ હતી. તપાસમાં વધુ નોંધાયું કે, ત્રણથી છ વર્ષના નોંધાયેલા બાળકો પણ કેન્દ્ર
પર હાજર ન હતા, બાળકો માટેના સવાર અને બપોરના ગરમ નાસ્તાની કોઈ
તૈયારી ન કરાઈ હતી. પોષણ પ્રવૃત્તિઓ અમલમાં મૂકાઈ ન હતી, એચસીએમ,
એમએમવાય અને ટીએચઆર સ્ટોકની યોગ્ય જાળવણીનો અભાવ, રસોડામાં તથા કેન્દ્ર પર સ્વચ્છતાનો અભાવ રજિસ્ટરો તથા પોષણ સંગમ સંબધિત દસ્તાવેજો
ઉપલબ્ધ ન હોવા સહિતની ગંભીર બાબતો સામે આવી હતી. પૂર્વ પ્રાથમિક શિક્ષણની કોઈ પણ પ્રવૃત્તિઓ
ન થવી, હાજરી રજિસ્ટર લાંબા સમયથી ન નિભાવવું, બાળકોના શૈક્ષણિક પોર્ટફોલિયો જાળવવામાં ન આવતા પોષણ, શિક્ષણ તથા આરોગ્ય પર પ્રતિકુળ અસર થતી હોવાનું જણાયું હતું. નોંધાયેલી ગંભીર
ક્ષતિઓને ધ્યાનમાં રાખી ચુનડી આંગણવાડી કેન્દ્રના કાર્યકર તથા તેડાગરનું તા. 01/01થી તા. 13/01 સુધીનું માનવ વેતન કપાત કરવાનો
નિર્ણય લેવાયો હતો તથા તેની નોંધ માનદ સેવાપોથીમાં કરાશે અને ભવિષ્યમાં બેદરકારી પુનરાવર્તિત
થાય તો માનદ સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ હતી. સરકારનો મુખ્ય
હેતુ બાળકોને ગુણવત્તાસભર પોષણ, શિક્ષણ
અને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવાનો હોવાથી આંગણવાડી કેન્દ્રોમાં નિયમિત તપાસ કરાશે
તથા ખામીઓ માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાશે તેવું શ્રી પંડયાએ જણાવ્યું હતું.