• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સર્વ સમાજની અનાથ દીકરીઓનાં સમૂહલગ્નનો સંકલ્પ

ભુજ, તા. 13 : આગામી 19 જાન્યુઆરીએ આદિપુર  ખાતે ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે, જેમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બ્રહ્મસમાજની 102 કન્યા પરિણય બંધને બંધાશે. દરેક કન્યાને બે લાખ રૂપિયાનું કરિયાવર અપાશે. મુખ્ય દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના મોભી અને શ્રીરામ ગ્રુપ ગાંધીધામના ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલે અન્ય સમાજોની સાથે સર્વ સમાજની અનાથ દીકરીઓનાં સમૂહલગ્ન આગામી સમયમાં કરાવવાનો સકંલ્પ લીધો હતો. આયોજન અંગે માહિતી આપવા ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. મુખ્ય દાતા અને જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલે જણાવ્યું કે, આ આયોજન કરવા માટે દોઢ વર્ષથી વિચાર ચાલતો હતો. સમૂહલગ્ન કરવાની પહેલ બ્રહ્મસમાજથી થઈ છે. આગામી સમયમાં બીજા સમાજો માટે આયોજન વિચારાધીન છે. શ્રી હુંબલે કહ્યું કે, તેમના પરિવારની એવી નેમ રહી છે કે, છેવાડાની વ્યક્તિ સુધી સેવાની સરવાણી પહોંચે. સમૂહલગ્નમાં જોડાનાર નવયુગલોને આશીર્વાદ આપવા માટે જાણીતા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા ભાઈશ્રી અને કથાકાર જિજ્ઞેશ દાદા સહિત દેશના અલગ-અલગ વિસ્તારમાંથી સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. દીકરીને ખાલી હાથે વિદાય ન અપાય એ માટે દોઢ લાખના દાગીના સહિત કુલ બે લાખનું કરિયાવર અપાશે. બ્રહ્મસમાજના અગ્રણી દિનેશભાઈ રાવલે જણાવ્યું કે, લીલાશા કુટિયા ખાતે આયોજિત સમારોહમાં 102 દીકરીના વૈદિકવિધિ સાથે લગ્ન ઉપરાંત 16પ બટુક યજ્ઞોપવિત ધારણ કરશે. પરિણય બંધને બંધાનારી 102 દીકરીમાં 47 કચ્છની અને પપ કચ્છ બહારની છે. આ આયોજનને રાષ્ટ્રીય સ્તરનું ગણાવતાં શ્રી રાવલે કહ્યંy કે, આ એક એવું વિશિષ્ટ આયોજન છે, જેમાં સમાજ દાતા પાસે નહીં પણ દાતા ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર સામેથી બ્રહ્મસમાજ પાસે આવ્યો છે. સમૂહલગ્નમાં આવનારા મહેમાનો માટે કટારિયા, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર ખાતે 80 સમાજવાડી બૂક કરવામાં આવી છે. દાતા પરિવારના બાબુભાઈ ઉપરાંત જખાભાઈ હુંબલ સહિતના સહયોગને તેમણે બિરદાવ્યો હતો. પૂર્વ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ હીરાલાલ રાજગોરે પૂરક વિગતો આપી હતી. 

Panchang

dd