• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

નખત્રાણાને કનડતા પ્રશ્નો સહિયારા પ્રયાસથી ઉકેલાશે

નખત્રાણા, તા. 13 : અહીંની વેપારી મંડળની સામાન્ય સભા લોહાણા મહાજનવાડી મધ્યે પ્રમુખ હેમેન્દ્રભાઇ કંસારાના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં નખત્રાણાની જનતાને કનડતી 15 જેટલી સમસ્યા નિવારવા ધારાસભ્ય જાડેજાને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાઓનો અંત લાવવા સહિયારા પ્રયાસોથી કામ કરાશે તેવું ધારાસભ્યે જણાવ્યું હતું. મહામંત્રી અરવિંદભાઇ રૈયાણીએ સમગ્ર ગુજરાતમાં જ્યાં નવી નગરપાલિકાઓનો દરજ્જો અપાયો છે તે પૈકી એક પણ પાલિકાની ચૂંટણી થઇ નથી, જેથી કામચલાઉ ધોરણે ચાલતી પાલિકાઓ દ્વારા વિકાસકામો સામાન્ય રીતે ચાલે છે. ટૂંક સમયમાં યોજાનાર ચૂંટણીઓ પછી વિકાસકામો માટેના સારા પરિણામો આવશે, માટે ધીરજ રાખી વિરોધ કરવાના બદલે સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલ બાયપાસ રોડની કામગીરી પ્રગતિમાં છે. બાયપાસ રોડ માર્ગમાં આવતી વ્યક્તિગત માલિકીની ખેતીવાડી-પ્લોટની જમીનો સંપાદન કરવા માટેનું અઘરું કામ હવે પૂર્ણતાના આરે છે. ન.પા.ની જવાબદારીમાં આવતાં અટકેલાં કામો પૂર્ણ કરવા વેપારી મંડળ સાથે રહી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા શ્રી જાડેજાએ જણાવ્યું હતું. પૂર્વ પ્રમુખ હીરાલાલ સોનીએ બાયપાસ રોડ ચાલુ થઇ ગયા પછી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ચત્રભુજ આંટી શનિ મંદિરથી થઇ આશાપુરા મંદિર સુધી રસ્તાની વચ્ચે ડિવાઈડર નિર્માણ કરવું જરૂરી છે એવું સૂચન કર્યું હતું. ઉપપ્રમુખ લાલજીભાઇ રામાણીએ આખલા, રખડતા ઢોરની સમસ્યા નિવારવા સૂચનો કર્યાં હતાં. ચંદનસિંહ રાઠોડે સંસ્થાના ઉત્કર્ષ કામોમાં સહયોગ આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી હેમેન્દ્ર કંસારાએ સંસ્થાના બે ઉપપ્રમુખો પદે નીલેશ બાવલ તથા વિપુલ ગોરની વરણી કરવાની જાહેરાત કરી હતી. સંસ્થામાં સંપ-સંગઠનથી એકજૂટ રહી ઉત્કર્ષના કાર્યો કરવા શ્રી કંસારાએ અનુરોધ કર્યો હતો. પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડે સંસ્થા દ્વારા  ઉત્કર્ષ માટેનાં કાર્યોમાં પોતાનો સહયોગ રહેશે તેવું જણાવ્યું હતું. સંસ્થાના હોદ્દેદારો પ્રમુખ હેમેન્દ્રભાઇ કંસારા, મહામંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ પ્રમુખ હીરાલાલ સોની, ચંદનસિંહ રાઠોડ, ઉપપ્રમુખ નવુભા સોઢા, જિતેન્દ્ર શાહ, નીલેશ બાવલ, વિપુલભાઇ ગોર, કિશોરભાઇ સોની, બેગ્રિન સોની, જયેશભાઇ સોની, ઉપપ્રમુખ લાલજીભાઇ રામાણી, ફકીરમામદ ખત્રી, સંદીપભાઇ શાહની ઉપસ્થિતિમાં 20 જેટલા લક્કી કૂપનનો ડ્રો યોજાયો હતો. સંચાલન મહામંત્રી અરવિંદભાઇ રૈયાણી અને આભારવિધિ લાલજીભાઇ રામાણીએ કરી હતી. 

Panchang

dd