ભુજ, તા. 13 : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા
દિલીપભાઈ દેશમુખ અને ટ્રસ્ટના સદસ્યો દ્વારા ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજમાં મકરસંક્રાંતિ પૂર્વે પતંગ વિતરણનો
કાર્યક્રમ યોજાયો હતો. આ પતંગમાં અંગદાન જાગૃતિ અને પક્ષીઓની સુરક્ષા માટેના સૂત્રો
લખાયેલા હતા જેથી લોકોમાં સંક્રાંતનાં પર્વ પર લોકો ઘાયલ પક્ષીઓનું ધ્યાન રાખે અને
સાથેસાથે અંગદાન અંગે પણ જાગૃતિ બતાવે અને લોકોના જીવ બચાવાનું ઈશ્વરીય કાર્ય કરવા
પ્રેરાય. શ્રી દેશમુખે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિનું પર્વ લોકો હર્ષોલ્લાસ સાથે ઊજવે છે ત્યારે લોકોને આ તહેવારની
શુભેચ્છા પાઠવી સાથેસાથે લોકોને પક્ષીઓને નુકસાન ન થાય અને ઘાયલ પક્ષીઓનો ઈલાજ જલ્દીથી
થાય તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું. જે પતંગ વિતરણ કરવામાં આવ્યા હતા તેમાં અંગદાન
મહાદાનના સૂત્ર લખેલા હતા જેથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાય. આ કાર્યક્રમમાં કોલેજના
પ્રિન્સિપાલ હિનાબેન ગંગર, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પારૂલબેન
કારા, તાપસભાઈ શાહ, રમેશભાઈ કારા સંદીપભાઈ
આહીર, કિશનભાઇ લુહાર સહિત કોલેજનો સ્ટાફ તેમજ ટ્રસ્ટ કાર્યકરો
જોડાયા હતા.