• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

રાપર સેલારી નાકા પ્રા.શાળાને ફાળવાયેલા પ્લોટમાં ખડકાયું દબાણ

ઘનશ્યામ મજીઠિયા દ્વારા : રાપર, તા. 12 : છેવાડાના વિકસિત એવા રાપર તાલુકામાં શિક્ષણની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ પી.એમ શ્રી શાળા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન  રાપરની  સેલારી નાકાની  પ્રાથમિક શાળા નંબર-3 છે.  શાળામાં પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે પૈકીની  કોઈ પણ સુવિધા નથી. જો બોર્ડ ન હોય તો ખ્યાલ પણ ન આવે કે અહી પ્રાથમિક શાળા હશે. શાળા માટે ફાળવાયેલો પ્લોટ બારોબાર વેંચાઈ  ગયો હોવા છતાંય શિક્ષણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જવાબદારો સામે નક્કર કાર્યવાહી કરી નથી.

465 બાળક માટે જીર્ણશીર્ણ શૌચાલય

સ્વનિર્ભર શાળા શરૂ કરવા માટે સરકાર દ્વારા બાળકોને રમતગમતનું મેદાન, પીવાનું પાણી, પૂરતાં પ્રમાણમાં શૌચાલય વગેરે પ્રાથમિક જરૂરિયાતો ફરજિયાત હોય છે, ત્યારે સરકાર દ્વારા વંચિત વિસ્તારમાં ચલાવવામાં આવતી આ શાળામાં આવી કોઈ સુવિધા નથી. રજિસ્ટર મુજબ 465 કુમાર-કન્યાઓ એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરે છે. આ તમામ બાળકો વચ્ચે એકમાત્ર જીર્ણશિર્ણ શૌચાલય છે ! 16 શિક્ષકના મહેકમ સામે 12 શિક્ષક બે પાળીમાં એકથી આઠના વર્ગો સંભાળે છે. બહાર આંગણામાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવામાં આવ્યો છે.

રોડ ઉપર આવેલી શાળા બાળકો માટે  જોખમી

ધમધમતાં બાલાસર ધોળાવીરા રોડની તદ્દન નજીક આવેલી આ શાળામાંથી ઘણીવાર નાનાં નાનાં ભૂલકાંઓ જોખમી રીતે રોડ પર આવી જતાં હોવાનું આસપાસનાં દુકાનદારોએ જણાવ્યું હતું. જ્યાં પૂરતા પ્રમાણમાં કન્યાઓ અને કુમારો માટે અલાયદું ટોયલેટ ન હોય એ કેવી કરુણતા કહેવાય! આ શાળા એટલે જાણે કે એક નાનકડાં મકાનમાં ઊભી કરી દીધેલી નિશાળ લાગે!

શાળામાં અનેક અસુવિધા

અગાઉ એક બાળકીને શાળામાં ઘૂસી આવીને કોઈ યુવાને અજૂગતું વર્તન કર્યું હોવાનો કિસ્સો બની ચૂકેલો છે, અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર -3માં શિક્ષકો અને વિદ્યાર્થીઓની પાંખી હાજરી એક લાલબત્તી સમાન છે, જ્યાં બાળકો ભણતાં હોય ત્યાં જ મધ્યાહન ભોજન બનતું હોય અને બાળકોના વર્ગખંડમાં જ તેનાં વાસણો ગોઠવાતાં હોય, બાળકોના અભ્યાસ ઉપર માઠી અસરઆઠ ધોરણ સુધીના વર્ગો ચલાવતી અને મોટી સંખ્યા(રજિસ્ટરમાં)  ધરાવતી આ શાળામાં કન્યા-કુમાર વચ્ચે એક જ તૂટેલી હાલતમાં શૌચાલય એ સુરૂચિ ભંગ ન કહેવાય? જ્યાં પાયાની જ સુવિધા નથી ત્યાં ક્રીડાંગણ કે એવી બીજી શું અપેક્ષા રાખવી?

અંતરિયાળ ગામડાંમાં શાળાઓની શું હાલત હશે?

તાલુકા મથકની આ શાળાની આવી હાલત છે, તો અંતરિયાળ ગામડાંઓમાં શિક્ષણની શું હાલત હશે? આમ પણ શિક્ષકોની ઘટ તો છે જ! તાલુકા મથક અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ધરાવતાં રાપરમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અને તાલુકા વિકાસ અધિકારીએ આવી શાળાઓની નિયમિત મુલાકાત લઈને શાળાઓની, વિદ્યાર્થીઓની અને વાલીઓની સમસ્યાઓ સાંભળવી અને તેનું નિરાકરણ લાવવું જોઈએ એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય.

શાળાના પ્લોટમાં દબાણ નગરપાલિકાના ચોપડે ચડી ગયું

ભુતકાળમાં આ શાળા અન્યત્ર બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવેલી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તંત્રની ઉદાસીનતાને લીધે એ પ્લોટ પર દબાણ થઈ ગયું હોવાનું અને એ પ્લોટ અન્યને નામે નગરપાલિકામાં પણ ચડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.  રાપરની ઘણી શાળાઓમાં મેદાનના અભાવે સરકારની સ્કૂલ ઓફ એક્સેલન્સની યોજનાના લાભથી વંચિત છે, ત્યારે  આ દિશામાં શિક્ષણ તંત્ર ઘટતી કાર્યવાહી કરે તે સમયની માંગ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં મેદાનની અપેક્ષા જ શું રાખવી

બાળકો શાળામાં ખુલ્લા મને રમત રમી શકે તે માટે મેદાન હોવું ફરજિયાત છે, ત્યારે અહીં તો 465 બાળક વચ્ચે ઉપર નીચે માત્ર ચાર ઓરડા છે, જે પણ સાવ ખખડધજ! અને એટલે આ શાળા બે પાળીમાં ચાલે છે. જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે ચાર જ ઓરડા હોય, ત્યાં સ્ટાફરૂમની તો વાત જ શું? દાદરા નીચે એક ખૂણામાં એકાદ બે ખુરશી અને માંડ એક ટેબલ ગોઠવે અને કોમ્પ્યુટર ગોઠવીને સ્ટાફરૂમ ચલાવવામાં આવે છે, હવે આમાં રમતગમતનાં મેદાનની શું વ્યવસ્થા હોય?

પ્લોટ દબાણ અંગે ફરિયાદ મળી, પણ કયાં ફાળવાયો તે ખ્યાલ નથી

સેલારી નાકા પ્રાથમિક શાળાના પ્લોટમાં થયેલાં દબાણ અને નગરપાલિકાના ચોપડે ચડી જવાની રાવ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામત વશરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, એકવાર મારી પાસે પણ આવી ફરિયાદ આવી હતી, પરંતુ ભુતકાળમાં ક્યાં જમીન ફાળવવામાં આવી હતી તે અંગે તેમણે અજાણતા બતાવી તત્કાલીન ટીપીઈઓને ખો આપી હતી.

Panchang

dd