ભુજ, તા. 12 : લઘુતમ
તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ વચ્ચે કચ્છમાં કાતિલ ઠંડીનો પ્રભાવ યથાવત્ રહ્યો છે.
ગઇકાલે 3.8 ડિગ્રીએ નલિયામાં જનજીવન ઠારમાં ઠુંઠવાયા
બાદ આજે પારો અઢી ડિગ્રી ઊંચકાઇને છ ડિગ્રીએ પહોંચ્યો હતો. આ તરફ જિલ્લા મથક
ભુજમાં પારો ગગડીને 8.6 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન
શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ શહેરીજનોએ અનુભવ્યો હતો. વીતેલા દાયકામાં 2015 અને 2023 બાદ
સૌથી ઠંડો દિવસ ભુજમાં અનુભવાયો હતો. આ તરફ અંજાર, ગાંધીધામ વિસ્તારમાં પણ 7.9 ડિગ્રીએ
સર્વાધિક ઠંડા દિવસની અનુભૂતિ થઇ હતી. નલિયામાં તાપમાન ઊંચકાવા છતાં કડકડતી
ઠંડીમાં નામ માત્રની રાહત મળી નહોતી. આખો દિવસ પવનની પાંખે ઠારનો માર યથાવત્
રહેતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડા પવનોએ ઠંડીની ધારને વધુ તીક્ષ્ણ બનાવી
હતી. ભુજમાં મહત્તમ તાપમાન થોડું ઊંચકાવા સાથે પવનની ગતિ સહેજ મંદ પડતાં દિવસના
ભાગે ઠારનો પ્રભાવ થોડો નરમ દેખાયો,
પણ સાંજ ઢળતાં પુન: એકવાર ઠંડીએ પોતાનો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું
હતું. અંજાર, ગાંધીધામ વિસ્તારને આવરી લેતા કંડલા (એ.)
મથકમાં લઘુતમ પારો ગગડીને 7.9 ડિગ્રીએ પહોંચતાં ડંખીલા ઠારની
આણ જળવાયેલી રહી હતી. રાજ્યમાં નલિયા બાદ અંજાર, ગાંધીધામ અને તે પછી ભુજ મોખરાનાં ત્રણ
ઠંડાં મથક રહ્યાં હતાં. હવામાન વિભાગે રવિવારે આપેલી કોલ્ડવેવની ચેતવણી આજે પાછી
ખેંચી હતી, તો પાંચ દિવસના વર્તારામાં પારો ઊંચકાવા સાથે
ઠંડીમાં રાહત મળે તેવી સંભાવના દેખાડાઇ છે.