• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુધાનથી ખાવડા સુધીનાં સફેદ રણમાં ખેડે તેનું ખેતર !

વિશ્વનાથ જોષી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 12 : લખપત તાલુકાના મુધાન રણથી છેક ખાવડા સુધી પુષ્કળ નમક મળી રહે છે, ત્યારે સમગ્ર 60 કિ.મી. વિસ્તારમાં નમકનું ઉત્પાદન કરતી એજન્સીઓ, કંપનીઓએ મીઠાંનાં રણમાં વાગ્યો રે ઢોલ... જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી હોવાથી રણમાં સર્વે ન થયો હોય તેવી જમીન હોવાનાં કારણે ખેડે તેનું ખેતર... જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ખરેખર મીઠાંનાં ઉત્પાદન કરતા કાયદેસરની જમીનમાં જ મીઠું પકવે છે કે મજા આવે ત્યાં મોજ કરે છે તેવી વિગતો બહાર આવી છે. હાલમાં જે એક નવી કંપની વેલસ્પનને મીઠાં માટે આર્ચિયન ગ્રુપ નજીક જમીન અપાઇ. અગાઉ તેમની અરજી પેન્ડિંગ હતી, હવે મંજૂર થતાં જગ્યા માપણી થઇ તો ખરેખર એ જમીનમાંથી તો અગાઉ જ નમક ઉત્પાદન થઇ ગયું છે. અહીંથી બે લાખ ટન નમક ઉત્પાદન થઇ વેચાઇ ચૂક્યું છે, પણ આ તો નમક છે, હજુય ત્યાં થઇ શકશે ને તેવું સમજાવી ઢાંકપીછોડો કરી દેવાયો હોવાનું માહિતગાર અગ્રણીઓ કહે છે. વર્ષ 2010માં ફાળવેલી જમીન અંતર્ગત લાગુ પડતી જમીનોમાં પુષ્કળ દબાણ થયેલાં હોવાથી તપાસ થવી જરૂરી છે, તેવું આ અગ્રણીઓનું કહેવું છે.

ખેડે તેનું ખેતર

રણમાં અનસર્વડ જમીન હોતાં તેના સર્વે નંબર તો મળી ન શકે, જેનાં કારણે ગરબડ-ગોટાળા ચાલતા હોવાનો આક્ષેપ એક એન.જી.ઓ.એ પણ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં કર્યો હતો, જેમાં એક કંપનીને 60 હજાર એકર જમીન અપાઇ છે, છતાં સંપાદન થયેલી જમીન બહાર 100 એકર વિસ્તારમાં કન્ટેનર રાખી 15 વર્ષથી જમીન દબાણ કરે છે. કોઇ પગલાં ભરાતાં નથી. કંપનીઓ દ્વારા વાવાઝોડાં વખતે પણ મોટી નુકસાની બતાવી વીમાના કરોડો રૂપિયા લઇ લેવાયા છે. કંપની 40થી 45 હજાર એકર જમીનનો ઉપયોગ કરે છે. અન્ય 15 એકર જમીનન 15 વર્ષથી કોઇ ઉપયોગ કર્યો નથી, ત્યારે શરતભંગનાં પગલાં લેવાં જરૂરી છે. અહીં અન્ય જમીન સંપાદન માટે 200 અરજી પેન્ડિંગ છે, ત્યારે બિનજરૂરી જમીન સરકારને પરત કરવી જોઇએ.

મંજૂરી વગરના રસ્તા

રણમાંથી નમકનું વહન કરવા નમક કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવાનું પ્રમાણ વધ્યું છે. હાલમાં જ એક કંપનીએ મુધાનથી રણ સુધી કોઇ પણ મંજૂરી વગર પરિવહન માટે રસ્તો બનાવતાં ગામલોકોએ વિરોધ કર્યો હતો અને આ જમીન જંગલ ખાતાંમાં આવતા રસ્તાનું કામ જંગલ ખાતાંના અધિકારીઓએ સ્થળ પર જઇ અટકાવ્યું હતું. અન્ય એક કંપનીએ રણમાં 15 કિ.મી. કાચો રસ્તો બનાવી નાખ્યો છે. મીઠું ઉત્પાદન કરતી કંપનીઓને માલ માટે જમીન ફાળવાય છે, પણ રસ્તા માટે નથી, ત્યારે ગેરકાયદેસર રસ્તા બનાવી કંપનીઓ છડેચોક કાયદાની મજાક ઉડાડે છે અને રણમાંથી હાજીપીર થઇ દેશલપર-ટોડિયા જતો રસ્તો અતિ ખરાબ છે, ત્યારે મુધાનનો રસ્તો પરિવહન માટે પસંદ કરે છે. આ કંપની દ્વારા રણથી ઝારા રોડ સુધી પણ કાચો રસ્તો બનાવાયો છે. ટૂંકમાં રસ્તાઓની મંજૂરી સરહદ પર પણ જરૂરી હોય છે, તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

સુરક્ષા કડક જોઇએ

હાજીપીર ફાટકથી સમગ્ર રણમાં જતાં એક જ પોસ્ટ બી.એસ.એફ.ની છે અને ત્યાં તપાસ થાય છે, પરંતુ ઘણી વખત વાહનમાં તમામ બેઠેલા લોકોના બદલે કોઇ એકના આધારકાર્ડ પર પ્રવેશ મળી જાય છે, જે સુરક્ષા માટે જોખમી છે. ઉપરાંત પરિવહન કરતા વાહનચાલકો ગુજરાત સાથે અન્ય રાજ્યના પણ છે, ત્યારે તેની યોગ્ય તપાસ તેમજ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પણ થવી જરૂરી છે.

સીમા ચોરી ફક્ત બે જ

મીઠાંનાં રણમાં 60 કિ.મી. લંબાઇવાળા વિસ્તારમાં સીમા ચોકી શરૂમાં અને છેલ્લે છે, જેના બદલે વચ્ચે આવતા પોઇન્ટ પર પણ ચોકી હોવી જોઇએ, જે સુરક્ષા માટે જરૂરી છે. કારણ કે, રણથી સાવ નજીવા અંતરે આંતરરાષ્ટ્રીય સીમા શરૂ થાય છે. રણથી બહાર નીકળવા આ કંપનીઓ વિવિધ રસ્તાઓ પોતાની રીતે ગેરકાયદેસર બનાવી લે છે, ત્યારે સુરક્ષા બાબતે વધુ ચોકસાઇ જરૂરી બની છે અને ઘણા બધા રસ્તાના બદલે ચોક્કસ રસ્તા પરથી જ વાહન પસાર થાય તેવું સુનિશ્ચિત કરવું જરૂરી છે. ગત વર્ષે એક કંપનીની બોટ પાણીમાં ફસાતાં બી.એસ.એફ.ના જવાનોએ કર્મચારીઓને બચાવ્યા હતા.

જી.એચ.સી.એલ. આવે છે

બ્રોમીન, નમકનાં ઉત્પાદન ક્ષેત્રે નામના ધરાવતી જી.એચ.સી.એલ. કંપનીને પણ મુધાનથી પૂર્વ અને હાજીપીરથી ઉત્તર દિશામાં 16,000 એકર જમીન સંપાદન કરાઇ છે. કંપનીનો પ્રોજેક્ટ માંડવી તાલુકામાં છે, પરંતુ નમકનું ઉત્પાદન અહીંથી થવાનું છે. આ કંપનીએ પોતાની કચેરીમાં સંદેશા વ્યવહાર માટે ટેલિફોન કંપનીઓ સાથે રહી નેટવર્ક ઊભું કર્યું છે. રણના વચ્ચે મોબાઇલ, નેટ બધી સુવિધા પ્રાપ્ત છે. જી.એચ.સી.એલ.ના અધિકારી અજિતભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, નમક ઉત્પાદન મોટાપાયે શરૂ થતાં છેવાડાના નિર્જન વિસ્તારમાં વસ્તી દેખાવા લાગી છે.

સૂની સરહદ ધમધમતી થઇ

વિવિધ કંપનીઓ આવતાં સૂની સરહદ ધમધમતી થઇ છે અને સરહદ જીવંત થઇ છે. લખપત તાલુકાનો પણ નમક ઉત્પાદનથી વિકાસ થશે. અહીં ખનિજ સંપત્તિ ઘણી છે. સૌર ઊર્જા, પવન ઊર્જા, નમક ઉત્પાદન ક્ષેત્રે રણ ગાજતું થયું છે. આ વિસ્તારમાં ચેરિયાં સંવર્ધન, ઇકો ટૂરિઝમ થાય તો સરકારને પણ કરોડોની આવક થાય અને સરહદ ગાજતી રહે તેમ છે.

પ્રશાસન શું કહે છે ?

લખપત તાલુકાના મામલતદાર નવીનચંદ્ર મારૂને રણમાં કેટલી એજન્સીઓને કેટલા એકર જમીન સંપાદન કરાઇ છે તેવું પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમારી પાસે કોઇ વિગત નથી. અનસર્વડ જમીન હોઇ તેનો કોઇ રેકોર્ડ કચેરીમાં નથી. વળી સંપાદનની પ્રક્રિયા જિલ્લા કલેક્ટર કચેરીમાંથી થાય છે તેની કોઇ વિગત નથી. અહીં ખરેખર પ્રશ્ન એ છે કે, પવનચક્કી અને નમક ઉત્પાદન માટે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી જમીન ફાળવી દેવાય અને મામલતદાર કચેરી કે સ્થાનિક ગ્રામ પંચાયતને હુકમની નકલ કે અન્ય માહિતી અપાતી નથી. રસ્તા મંજૂરી માટે કંપની દ્વારા સાંયરા ગામથી રણ સુધીની મંજૂરી અર્થે દરખાસ્ત કરાઇ છે, તેવું મામલતદારે જણાવ્યું હતું. જો કે, રસ્તો મંજૂર નથી કરાયો છતાં પણ નમક ઉત્પાદન કરતી કંપનીઓ મનફાવે તેમ રસ્તા બનાવી નાખે છે.

રેલવેથી ઓવરલોડ બંધ

હાલમાં નમક પરિવહન કરતા વાહનો ઓવરલોડિંગ નમક ભરે છે. ટ્રકો અદ્ધવચ્ચે તૂટી જાય ને બે ભાગ થઇ જાય તેવા પણ કિસ્સાઓ બન્યા છે. ભુજથી મથલ રસ્તાઓનો સત્યનાશ વાળતાં ઓવરલોડ વાહનો પર કોઇ કાયદાનું શત્ર ઉગામાતું નથી. હવે જ્યારે રેલવે લાઇન માટે મંજૂરી મળી છે, ત્યારે ઓવરલોડ અને ભારે વાહનોમાંથી લોકોને મુક્તિ મળશે.

નવી જેટી બનશે

બીજીબાજુ કપુરાશીથી કોટેશ્વર વચ્ચે આર્ચિયન કંપની દરિયામાં જેટી બનાવી રહી છે, ત્યારે જળમાર્ગે પણ પરિવહન શક્ય બનશે. જો કે, જેટી બનાવવાની લોકસુનાવણીમાં સ્થાનિક લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો. રેલવેની લાઇન રણથી લખપત જતાં અંતર ઘટશે. અત્યારે ઘડુલીથી નમક કંપનીમાં જતાં 90 કિ.મી. જેટલો રસ્તો છે, જેમાં 40 કિ.મી. જેટલું અંતર ઘટી જશે. જો કે, જાણકાર લોકો કહે છે, રેલવે પરિવહન માટે છે. બાકી મુસાફરોને જવું હશે તો શું લખપત-નારાયણ સરોવર, નલિયા થઇને થોડો ફોગટ ફેરો ખાઇ ભુજ જશે. આખો મોટો રાઉન્ડ છે, સીધો ટ્રેક નથી. અગાઉ કંડલા, દયાપર, લખપત સુધી રેલવે સર્વે કરાયો તે રૂટ લીધો હોત તો લખપત તાલુકાનો જરૂર વિકાસ થાત, પરંતુ આ રેલવે નમક અને લિગ્નાઇટ, સિમેન્ટ, બેન્ટોનાઇટ ખનિજનાં પરિવહન માટે છે તે સ્પષ્ટ થાય છે.

Panchang

dd