• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

દાડમના પાકને બચાવવા સુરક્ષા કવચ

વિથોણ (તા. નખત્રાણા), તા. 12 : નખત્રાણા પંથકની ખેતીના આધારસ્થંભ સમાન દાડમના ફળને માખીઓના ડંખથી બચાવવા અને ઠંડીના કારણે ફળોમાં આવતી તિરાડોથી બચાવવા ખેડૂતો લાખોના ખર્ચે ઝાડ ઉપર સુરક્ષિત કવચ પહેરાવ્યું છે, જે ફળની રક્ષા કરે છે. આ આવરણ જંગલી જાનવરોથી પણ રક્ષણ આપે છે. આ વર્ષે ખેડૂતોને હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થયું છે. ગત વર્ષે પાછોતરા વરસાદે દાડમના ફૂલ ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા જેટલું ઉત્પાદન મળે તેવી ભીતિ સેવાય છે. આ વર્ષે ખેડૂતો માટે પાંદડું લીલું ને રંગ રાતો તેવું થયું છે. દવા, ખાતર, માવજતની મજૂરી, કટિંગ ખર્ચ જોડતાં ખેડૂતો માટે હવે સારો ભાવ ઉગારે તેમ છે. પંથકની મોટાભાગની વાડીઓમાં દાડમની ફસલ જોવા મળે છે. દાડમની સરખામણીએ અન્ય ધાન્ય અને તેલીબિયાંની ફસલો માત્ર 10 ટકા જેટલી મળે છે, જેમાં દિવેલા, રાયડો, વાલ અને ઘઉં તો માત્ર દૃષ્ટિગોચર પૂરતા જ જોવા મળે છે. પાછલા સાડા ત્રણ દાયકામાં ખેતીમાં વખતોવખત પરિવર્તન આવતું રહ્યું છે. કોસથી માંડીને કોમ્પ્યુટર સુધીના યુગમાં ખેડ, ખાતર, પાણી અને ખેતીની પદ્ધતિમાં ધરખમ ફેરફાર થયા છે. બળદની ખેતી પછી ટ્રેક્ટર અને આધુનિક યંત્રોથી ખેતીને નવો ઓપ આપવાના સતત પ્રયાસો થાય છે અને ખેડૂતોને સફળતા પણ મળી છે. ઉત્પાદન વધ્યા તેની સામે ખર્ચા પણ વધ્યા છે તેવું ખેડૂતોનું કહેવું છે. ટપક પદ્ધતિ આવ્યા પછી અને પાવરની સમસ્યાઓ લગભગ નાબૂદ થઇ ગઇ છે, પરંતુ આકાશી આફતો અને જંગલી જાનવરો અને બિનવારસુ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. પાછલા દિવસોમાં અનિયમિત વરસાદ, વાવાઝોડાં, માવઠાંને કારણે પંથકની ખેતીને નુકસાન થયું છે. કિસાનોએ જણાવ્યું હતું કે, ઘણી વખત એક સાંધો ત્યાં અઢાર તૂટે તેવું થયું છે. ખેતી એક એવો વ્યવસાય છે જે સંપૂર્ણપણે કુદરતને આધીન છે. ઘણી વખત ખેતીનું રોટેશન ચલાવવા માટે નાણાં વ્યાજે લેવાની નોબત ઊભી થાય છે. પાક ધિરાણ ભરવા ખેડૂતોને વેપારીની દાઢીએ હાથ નાખવો પડે છે. જો કુદરત મહેરબાન થાય તો દાડમની આવક ખેડૂતોનો વ્યવહાર સાચવે તેમ છે.

Panchang

dd