ભુજ, તા. 12 : ઘઉંની
ગુણવત્તા જાણવા માટેની રેપિડ ટેસ્ટ કરવાની પદ્ધતિને પેટન્ટ મળી છે. કચ્છ યુનિ.ના
રસાયણ શાત્ર વિભાગની ટીમને આ મહત્ત્વની સફળતા મળી છે. આગામી દિવસોમાં પેટન્ટનું
કોમર્શિયલ લાયસન્સિંગ કરવાનું કામ કરાશે. કચ્છ યુનિવર્સિટી-ભુજને ઘઉંની ક્વોલિટી
જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પદ્ધતિ માટે પેટન્ટ મળી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવા માટે એક રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ યોજાઈ હતી, જેમાં ભાગ લેનારા લોકોએ
ઘઉંની ક્વોલિટી જાણવા માટેની ઝડપી પદ્ધતિ વિકસાવવાની હતી. ડો. વિજય રામ, એસોસિયેટ પ્રોફેસર, રસાયણ શાત્ર ભવન, કચ્છ યુનિવર્સિટીનાં માર્ગદર્શનમાં એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જય જોશીએ પ્રયોગો હાથ ધરી અને હરીફાઈમાં ભાગ લીધો
હતો. અલગ-અલગ રાઉન્ડ પછી છેલ્લા રાઉન્ડ માટે તેઓને દિલ્હી ફૂડ કોર્પોરેશન ઓફ
ઈન્ડિયાની લેબમાં બોલાવવામાં આવ્યા હતા અને નિષ્ણાતોની હાજરીમાં પ્રયોગો કરવાના
હતા, જેમાં સફળતાપૂર્વક પ્રયોગો કરતાં જણાવવામાં આવ્યું હતું
કે, આ ખૂબ જ ઉપયોગી પદ્ધતિની પેટન્ટ લઈ લેવી જોઈએ, જેથી ડો. વિજય રામ અને ડો. ગિરીન બક્ષીનાં માર્ગદર્શનમાં પેટન્ટ ફાઈલિંગની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અલગ-અલગ રાઉન્ડના અંતે પેટન્ટ ઓફિસ, ભારત સરકાર દ્વારા પેટન્ટ એક્ટ, 1970 હેઠળ 20 વર્ષ
માટે કચ્છ યુનિવર્સિટી-ભુજને ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ કરવાની પદ્ધતિ
માટે પેટન્ટ મળી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારત સરકાર દ્વારા 2500 જેટલા
ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે,
જ્યાં ઘઉં, ચોખા વગેરે અલગ-અલગ પાક રાખવામાં
આવે છે. ગોડાઉનમાં રહેલા પાકની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવું જરૂરી હોય છે,
જેથી લોકોનાં સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ન થાય. એમ.એસ.સી. એનાલિટિકલ
કેમેસ્ટ્રીમાં ડો. વિજય રામના માર્ગદર્શનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિકી
બેનરજી અને જય જોશીએ અભ્યાસની સાથે સંશોધન કરતા કચ્છ યુનિવર્સિટી-ભુજને આ પેટન્ટ
મળી છે. કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે
યુનિવર્સિટીનું નામ રોશન કરતાં કુલપતિ ડો. મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર
દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા.