દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 12 : `ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ', કલૂષિત રાજકારણ, બ્યૂરોકેટ્સ અને માફિયાઓ વગેરેનું કદરૂપું સર્કલ છે. એનું નિર્મૂળ નિવારણ સંવેદનશીલ અને હકારાત્મક પ્રજા પ્રતિનિધિત્વ, સરકારી તંત્રની તટસ્થતા, પોલીસ અને તપાસ એજન્સીઓની પગેરું શોધીને તાગ મેળવવાની કર્તવ્યનિષ્ઠા સાથે દેશદાઝસભર નાગરિકોના સહયોગ અનિવાર્ય છે, એવું બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે મેગા આરોગ્ય કેમ્પમાં પ્રમુખ અતિથિ પદેથી એમના લિખિત બ્રહ્માત્ર અનશિલ્ડ પુસ્તકનું આચમન કરાવતાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર-મહારાષ્ટ્રના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડી. શિવાનંદને બચુભાઈ રાંભિયા મેમોરિયલ ઓડિટોરિયમમાં કહ્યું હતું. પૂર્વ રેલવેમંત્રી દિનેશભાઈ ત્રિવેદી સાથે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર-ટ્રસ્ટી હેમંતકુમાર રાંભિયાએ વક્તાનું બહુમાન કર્યું હતું. અસ્ખલિત મુદ્દાસર પડદા ઉપર દળદાર પુસ્તક બ્રહ્માત્ર અનશિલ્ડના પ્રમુખ તારનો ઝણકાર કરાવતાં મહારાષ્ટ્રના સર્વોચ્ચ પૂર્વ આઈ.પી.એસ. ડી. શિવાનંદને 1990થી 2000 દરમ્યાન મુંબઈ-મહારાષ્ટ્રને ધ્રુજાવનાર અન્ડરવર્લ્ડ સામ્રાજ્યના પ્રભાવ અને પીડાની સિલસિલાબંદ્ધ ઘટનાઓને શબ્દદેહ આપતાં રોમ ખડાં કર્યાં હતાં. માફિયાઓની એક્ટિવિટીમાં હવાલા ટ્રાન્ઝેક્શન, લેન્ડ ગ્રેબિંગ, દાણચોરી, ડ્રગ્સ, ફિલ્મ નિર્માણ અને વેચાણ, બુટલેગિંગ, ગેમ્બલિંગ, મેચ ફિક્સિંગ, પોર્નોગ્રાફી, બેંક ફ્રોડ, ગેરકાયદેસર વિદેશ પ્રવાસ, એક્સપોર્ટ ઓફ યુનિટ, ગન રનિંગ, ઈન્સ્યોરન્સ ફ્રોડ, બૂથ કેપ્ચરિંગ, ડકેતી, રોબરિંગ, પાયરસી સહિતના અપરાધોની મોડસ ઓપરેન્ડી અને અપરાધીઓની પહોંચ સહિતનું વિગતવાર વિહંગાવલોકન કરાવ્યું હતું. ગેંગવોરે મુંબઈ-મહારાષ્ટ્ર ઉપરાંત દેશને બાનમાં જાણે લીધો હોય એવું ભયાવરણ સર્જ્યું હતું. એક કલાકમાં ડઝનબંધ સ્થળોએ સિરિયલ બોમ્બ બ્લાસ્ટે રાષ્ટ્રીય સુરક્ષા સામે મસમોટો પડકાર ખડો કર્યો હતો. પોતાના કાર્યકાળ દરમ્યાન અને આગળ-પાછળ મુંબઈ પોલીસને મળેલી સફળતામાંથી ધડો લેવા-પદાર્થ પાઠ લેવા બીજા રાજ્યો પણ પ્રેરાયા હોવાનું જણાવતાં તેઓએ વરદારાજન મુદલિયર, દાઉદ ઈબ્રાહીમ, કરીમ લાલા, હાજી મસ્તાન, છોટા રાજન, અરુણ ગવલી, અમર નાયક, અશ્વિન નાયક, સુરેશ માંચેકર, બબલુ શ્રીવાસ્તવ, સુભાષસિંહ ઠાકોર સહિત અનેક અન્ડરવર્લ્ડ ડોનની કરમકુંડલી પ્રસ્તુત કરી હતી. શ્રી શિવાનંદને તેમના દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વને ઉજાગર કરવા નિવૃત્તિ બાદ શરૂ કરાયેલી રોટી બેંક દ્વારા લાખો લાભાર્થીઓની આંતરડી ઠારવામાં આવી રહી હોવાનું કહેતાં ઉમેર્યું હતું કે, મુંબઈમાં 25 હજાર જેટલા બાલાભાર્થી સમાવિષ્ટ છે. કોઈ બાળક ભૂખ્યું કે કુપોષિત ન રહેવું જોઈએ એવા મનોરથ છે. બાળક શારીરિક સ્વસ્થ થતાં શાળામાં છાત્રની હાજરીનું પ્રમાણ પણ ઊંચું આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો. પૂર્વ રેલવેમંત્રી દિનેશભાઈ ત્રિવેદીએ શિવાનંદજીનાં પુસ્તક અને કથાનક ઉપર પ્રભાવિત થતાં જણાવ્યું કે, વેદ-ઉપનિષદ, વેદાંત, વિજ્ઞાનની દેન થકી ભારતનું નામ વિશ્વમાં કલગીરૂપ છે. આપણે જ્ઞાન અને કૃષિ તરફથી અંતર રાખીશું એ વ્યક્તિગત અને રાષ્ટ્રહિતમાં નથી. વિશ્વની સંસ્થાઓમાં 90 ટકા ભારતીય ટોચ પદે છે. બીજી બાજુ ગુનાહિત રેકોર્ડ ધરાવનારા મતબેંકનાં બળે વિધાન ગૃહ-સંસદમાં પ્રવેશે તે વૈચારિક દારીદ્ર તરીકે સ્વીકારવું પડશે. આપણે ગંગોત્રીને સાફ-સૂથરી રાખવી જ પડશે. પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ શ્રી શિવાનંદના અનુભવો અને જ્ઞાનને યુવા આઈપીએસ પોલીસ અધિકારીઓ માટે પથદર્શક મૂલવતાં કહ્યું કે, પોલીસ શું કરી શકે તે પ્રતિબિંબિત થયું છે. સોશિયલ મીડિયાના જમાનામાં સરહદી કચ્છ સહિત પ્રદેશોમાં ગુનાનો રાહ તોડી પાડવો સામૂહિક કર્તવ્ય છે. શ્રી સુંડાએ ભવિષ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે આવા સેશન યોજવા જરૂરી ગણાવ્યું હતું. હોલિસ્ટિક હેલ્થ ઈન્ટરનેશનલના ડો. મીકી મહેતાએ જીવનશૈલીમાં બદલાવ, આહારવિહારમાં જાગૃતિ, નિરામયી આયુષ્ય માટે પ્રથમ સોપાન આગળ કરતાં કહ્યું કે, સ્વયંને સ્વયંમાં આસ્થા હોય તેને સ્વાસ્થ્ય કહેવાય. આપણે સ્વયંમાં સ્થિત અને સ્વયંમાં ઉપસ્થિત રહેવું જોઈએ. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અને ટ્રસ્ટી હેમંતકુમાર રાંભિયાએ આરંભમાં શાબ્દિક સત્કાર સાથે મુખ્ય વક્તાનો વ્યક્તિ પરિચય આપતાં સંસ્થાની પાંચ દાયકાની અવિરત અને વૈશ્વિક સ્તરની સેવાઓની વિગતો આપી હતી. ઈન્ડિયન આર્મીના કર્નલ સમિક, ભુજ એરપોર્ટ સિક્યુરિટી આઈએસએફ કમાન્ડન્ટ અખિલેશ પાંડે, બીએસએફ કમાન્ડિંગ ઓફિસર પ્રવીણકુમાર, એરફોર્સના ક્વાર્ડન લીડર યોગેશ અહેલાવત વગેરે સહયોગી રહ્યા હતા. ડો. મીનલબેન, સંસ્થાના ટ્રસ્ટી શાંતિલાલભાઈ વીરા, વીરાયતનના અનિલ જૈન, કીર્તિ ગોર, વિવિધ તબીબો જોડાયા હતા. સંચાલન દિનેશભાઈ નાગુએ કર્યું હતું.