નખત્રાણા, તા. 12 : દેશલપર-હાજીપીર
સુધીના ચાલતા 32 કિલોમીટરના સીસી માર્ગના કામની ગુણવત્તા જાળવવામાં મીઠું
ભરેલાં ઓવરલોડ વાહનો થકી મુશ્કેલી પડતી હોવાથી આ ભારે વાહનોને આ કામ ચાલે ત્યાં
સુધી અન્યત્ર માર્ગે વાળવા નખત્રાણા આર. એન્ડ બી. (રાજ્ય)એ જિલ્લા કલેક્ટર સમક્ષ
લેખિતમાં માંગ કરી છે. દેશલપર (ગું.)થી હાજીપીર સુધીના 32 કિ.મી.
માર્ગનું સીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગની એક સાઈડમાં ચાલતાં
નમક ભરેલાં ઓવરલોડ અસંખ્ય ભારે ટ્રેઈલરનાં કારણે કામની ટકાઉતા અને ગુણવત્તા
જાળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત અકસ્માતો સર્જાવાનો સંભવ રહે છે. આ સિમેન્ટ
રોડની કામગીરીમાં કોંક્રિટિંગ કર્યા બાદ તેને નિર્ધારિત મજબૂતીકરણ માટે ઓછામાં ઓછા
21થી
28 દિવસ
સુધી કોઈ પણ પ્રકારના ટ્રાફિક વગર `ક્યોરિંગ' કરવું અનિવાર્ય છે,
ત્યારે આ માર્ગ પર મીઠાંનાં ભારે ડમ્પરોની સતત અવર-જવર રહે છે,
ત્યારે કાચા અથવા તો અડધા ભાગમાં તૈયાર થયેલા સીસી રોડ પરથી આવા
ઓવરલોડ ભારે વાહનો પસાર થાય, તો રસ્તામાં તિરાડો પડવાની
પૂરેપૂરી શક્યતા રહે છે, જેથી આમ ટ્રાફિકની હાજરીમાં કામની
ગુણવત્તા જાળવવા માટે મુશ્કેલી સર્જાય તેમ છે તેમજ રસ્તાનું કામ નિયત
સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે હેતુથી ચાલતાં કામના માર્ગ
પરથી પસાર થતાં મીઠું ભરેલાં ભારે વાહનોને વૈકલ્પિક માર્ગો પરથી ડાયવર્ટ કરવા
જરૂરી છે તેમજ અંદાજે ચાર માસ સુધી ડાયવર્ઝન માર્ગ કરવો અનિવાર્ય છે. ઉપરોક્ત
સમસ્યા સંદર્ભે નખત્રાણાના નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી માર્ગ અને મકાન પેટા
વિભાગ (રાજ્ય) દ્વારા પ્રાંત અધિકારી કચેરીએ મદદનીશ કલેક્ટરને લેખિત પત્ર સાથે
માંગ કરાઈ છે. વૈકલ્પિક માર્ગ આ મુજબ સૂચિત કરવામાં આવ્યું છે, જેમાં હાજીપીરથી જખૌ પોર્ટ તરફ જવા હાજીપીરથી ઝારા, લાખાપર,
ઘડુલી, દોલતપર, બરંદા,
વાયોર, નલિયા થઈ જખૌ સોલ્ટ, હાજીપીરથી ભુજ (મુંદરા-કંડલા) તરફ જવા લુણા, ભીટારા,
ધોરડો, લુડિયા, ભીરંડિયારાથી
ભુજ-શેખપીર રોડ સુધી, સણોસરા રેલવે સ્ટેશન તરફ જવા
હાજીપીર-નરા ફાટકથી દયાપર-માતાના મઢ થઈ મંગવાણા-સણોસરા રેલવે સ્ટેશન સુધી વૈકલ્પિક
માર્ગો પર વાહનો ચલાવવા આર. એન્ડ બી. દ્વારા માંગ કરાઈ છે.