કાઠડા (તા. માંડવી), તા. 13 : ચાલુ
વર્ષે ચોમાસું લાંબુ રહેતા ઘઉંનું પણ ઉત્પાદન પાછોતરું રહેશે તેવા એંધાણ ખેડૂતો
પાસેથી મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીનો દોર પણ વધુ સમય સુધી રહેશે એવી
આગાહી કરાઈ છે. વધુ ઠંડી શિયાળુ પાક ઘઉં માટે ઉત્તમ હોતા આ વર્ષ ઘઉનું ઉત્પાદન
પાછોતરો પણ મબલક રહેશે એવું ખેડૂતોએ જણાવ્યું હતું. ઘઉંની વાવણી 10 નવેમ્બરથી
20 નવેમ્બર
સુધી થાય તે સમયસર કહી શકાય. પણ ચાલુ વર્ષે વરસાદ વધુ સમય ચાલતા અને પુરતી ઠંડી પણ
પાછોતરી આવતા હજી અનેક વિસ્તારોમાં ઘઉં વાવણીનો ધોમધોકાર ચાલુ છે અને મુખ્યત્વે 496 તથા
લોકવન બીજની વાવણી થઈ રહી હોવાનું માંડવી તાલુકા કિસાન સંઘના પ્રમુખ રતિલાલભાઈ
રાબડિયાએ જણાવ્યું હતું. સરકાર દ્વારા પાકોની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાય છે, ત્યારે જ ખેડૂતો અવઢવમાં
ન મૂકાય તે હેતુથી જણસ કેટલી લેવાશે તે પણ જાહેર કરી દેવું જોઈએ તેવું શ્રી
રાબડિયાએ જણાવ્યું હતું. હાલમાં જ ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે. પણ પૂરતી
ખરીદી ન કરાતા ખેડૂતોને માલનું અન્યે વેચાણ કરવું પડતું હોવાથી ટેકાના ભાવ જાહેર
કરે ત્યારે જ જથ્થા ખરીદી અંગે પણ જાહેર કરી દેવા ખેડૂતોએ માંગ કરી હતી. દર વર્ષે
પાકોની વાવણી વખતે રાસાયણિક ખાતરની અછત રહેતા ખેડૂતોને ના છૂટકે વધુ રૂપિયા આપી કે
જરૂરિયાત સાથે વગર જરૂરિયાતનું ખાતર અપાતું હોવાથી આ અંગે તંત્ર જાગૃત થાય તથા દર
વર્ષની ખપત પ્રમાણે જથ્થો ઉપલબ્ધ રખાય જેથી સમયસર પાકની વાવણી કરી શકાય તેવી માંગ
ખેડૂતોએ કરી હતી.