• બુધવાર, 19 નવેમ્બર, 2025

ગામમાં રહીને જીવવાની, શીખવાની અને મૂળ સાથે જોડાવાની પ્રેરણાદાયી સફર

નિરોણા, તા. 18 : પાવરપટ્ટીનાં કેન્દ્રરૂપ આ ગામે દિવાળી વેકેશન દરમિયાન વિશ્વગ્રામ દ્વારા છ દિવસીય ગ્રામનિવાસ શિબિર યોજાઇ હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 16 જેટલા યુવક-યુવતીઓએ ફુલપીર દાદાનાં સ્થાનકે ગ્રામજીવનનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો. વહેલી સવારે પ્રકૃતિદર્શન, પ્રાર્થના, મૌન સાધના અને પ્રભાતફેરીથી દિવસની શરૂઆત થતી હતી. શિબિરાર્થીઓને સ્વ-ઘડતર માટેની સદવાંચન, સત્સંગ, શ્રમકાર્ય, કલાદર્શન, સાવરણા બનાવવા, લીંપણકામ તેમજ ગ્રામ બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરાયા હતા. સ્થાનિક કલાઓ જેવી કે રોગાન આર્ટ, કોપર બેલ આર્ટ, લાખકામ અને ભરતગૂંથણ વગેરે કલાનું નિદર્શન કરીને કચ્છની લોકકળાનો પરિચય મેળવ્યો હતો. વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ પણ કર્યો હતો. નિરોણા અને વેડહાર ગામે યોજાયેલા બાળમેળામાં શિબિરાર્થીઓએ કાગળકામ, માટીકામ, રેંટિયો કાંતવો, જીવન સીડી જેવી 10 જેટલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખી હતી. ચેસ ચેમ્પિયન વીરેન્દ્રસિંહ ઝાલાએ બાળકોને ચેસની તાલીમ આપી, જ્યારે સાંજે ફિલ્મ `હારુન અરુન'નું દર્શન અને મનોરંજક કાર્યક્રમો યોજાયા હતા. ગામની બહેનોએ ભજન-કીર્તન અને ભાઈઓએ આરાધીવાણી દ્વારા ભક્તિભાવનું વાતાવરણ સર્જ્યું હતું. પ્રવીણભાઈએ અભિનય ગીત, જોક્સ, મિમિક્રી વડે આનંદિત કર્યા હતા. સરપંચ નરોત્તમભાઈ આહીરે ગામની વિવિધ વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી, ગાંધીજન રમેશભાઈ સંઘવી, મેંગો ગ્લોબલ સ્કૂલનાં કેતનાબેન તથા કારીગર શાળા ભુજના અતુલભાઈએ શિબિરને ઊર્જાવાન બનાવી હતી. ફુલપીર દાદાનાં સ્થાનકે જમનાબેન, સલીમભાઈ, મહેરોજી સોઢા તથા ગામજનોના સહકારથી આયોજન થયું હતું. વિશ્વગ્રામના તુલા-સંજયના માર્ગદર્શન હેઠળ દર્શનભાઈએ સંચાલન, જ્યારે મોહનભાઈ અને તેમના પરિવારના સહયોગથી ગ્રામનિવાસ શિબિર સંપન્ન થઈ હતી. 

Panchang

dd