ભુજ, તા. 18 : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા
સમાજસેવા ક્ષેત્રે લાંબા સમયથી નોંધપાત્ર યોગદાન આપવા બદલ ગ્લોબલ કચ્છ સંસ્થાના સીઇઓ
અરૂણ જૈનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. જિલ્લા કક્ષાની વાર્ષિક સામાન્ય
સભા દરમ્યાન જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં આ એવોર્ડ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે
કે, અરૂણ જૈન ભૂકંપ સમયથી રેડક્રોસ સોસાયટી સાથે
જોડાઇને સમાજસેવામાં સક્રિય રહ્યા છે. સંસ્થામાં સતત ત્રણ ટર્મ સુધી ચેરમેન તરીકે ફરજ
બજાવી ચૂકેલા શ્રી જૈન વર્ષ 2021થી ગ્લોબલ કચ્છ સાથે સેવાકીય પ્રવૃત્તિઓને મજબૂત બનાવવામાં મહત્ત્વનો
ફાળો ભજવી રહ્યા છે. સંસ્થાની કામગીરીને ટેકનિકલી મજબૂત બનાવવા અને નવા કાર્યક્રમોને
ગતિ આપવા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સંસ્થાના હાર્દિકભાઈ મામણિયાએ તેમને આપવામાં
આવેલાં સન્માન બદલ અભિનંદન પાઠવ્યા હતા. બી.ઈ. સિવિલ એન્જિનીયર એવા અરૂણભાઈ મૂળ મધ્યપ્રદેશના હોવા છતાં વર્ષોથી
કચ્છમાં રહી `સવાયા કચ્છી' તરીકે સેવા આપી રહ્યા છે. સેવાભાવ,પ્રામાણિકતા અને સંસ્થાકીય નેતૃત્વ તેમને આ એવોર્ડ માટે પાત્ર બનાવનારા મુખ્ય
કારણો છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રી જૈનનું માર્ગદર્શન આવનારા સમયમાં સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને
મજબૂતી આપશે.