• શુક્રવાર, 25 એપ્રિલ, 2025

ગાંધીધામ સંકુલ ધૂળ મુક્ત બનાવવાનું આયોજન

ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરોમાં સફાઈ અને રોડ ઉપરથી માટી દૂર કરવા પાછળ અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. જે હેતુ માટે પૈસા ખર્ચવામાં આવે છે તે હેતુ સાર્થક પણ થતો નથી, પણ હવે અન્ય મહાનગરોની જેમ ગાંધીધામ સંકુલને ધૂળ મુક્ત બનાવવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આ માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક દરમ્યાન જવાબદાર વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપી છે. હવે પછી આરસીસી, ડામર કે પેવરબ્લોક સહિતના રોડ રસ્તા બનાવવામાં આવે, ત્યારે પૂરી જગ્યાને આવરી લઈને આયોજન કરવા માટે કહ્યું છે. ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરોમાં લગભગ 370 કિલોમીટરનું રોડ નેટવર્ક છે તેમાંથી લગભગ 40 ટકાની આસપાસના માર્ગો ઉપર મોટા-મોટા ખાડાઓ છે. લોકો લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી માર્ગો ઉપર પડેલા ખાડાઓથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, યુવાનો વડીલો અને વૃદ્ધો શારીરિક પીડા વેઠી રહ્યા છે. ખાડાઓને કારણે વાહનોમાં પણ નુકસાન થાય છે. બીજી તરફ લગભગ માર્ગો ઉપર ધૂળ-માટી છે. જોડિયાં શહેરોના નાગરિકો તેનાથી પરેશાન છે. ધૂળનાં કારણે આંખ, શ્વસનતંત્રની બીમારીઓ થાય છે. વહીવટી તંત્રની ખામીઓનું પરિણામ લોકોને ભોગવવું પડે છે. તેની વ્યાપક ફરિયાદો પણ છે. જેના પગલે હવે મહા નગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે. મહા નગરપાલિકામાં બેઠક દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરે ગાંધીધામ સંકુલને ધૂળ મુક્ત કરવા માટેનું આયોજન ઘડવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી છે. રોડ બનાવતા પહેલાં ગલીઓ અને શેરીઓનું માપ લઈ, પૂરી જગ્યા આવરી લઈને  નવા માર્ગો બનાવવામાં આવે ત્યારે આ રીતે આયોજન કરવા માટે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં માર્ગો ઉપરથી માટી દૂર કરવા માટે લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે, પરંતુ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. લગભગ રોડ ઉપર માટી ધૂળ છે. તાજેતરમાં બનેલા ઓવરબ્રિજ ઉપર પણ માટી છે. તેનાં કારણે બાઈક જેવા નાનાં વાહનો સ્લીપ થાય છે. રોડ ઉપર ખાડા અને માટીનાં કારણે અનેક અકસ્માતો પણ થાય છે. તેવામાં જ્યારે આગામી સમયમાં લગભગ 80 કરોડથી વધુના ખર્ચે નવા માર્ગો બનાવવાના છે, તેમાં વ્યવસ્થિત આયોજન કરવા અને સફાઈ વિભાગને રોડ ઉપરથી માટી દૂર કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd