બ્લોગ : - પરેશ શાહ `નિ: શબ્દ' : કચ્છમાં ધ્રુજારી આવી.. ભયાનક વિનાશ, તારાજી અને વ્યથા લઇ આવી.. પછી આવી ધરતીમાં
સ્થિરતા.. ધ્રુજારી પછીની સ્થિરતા નવસર્જન માટે ઊજળી તકો આપી ગઇ. કચ્છની કાયાપલટનો
પ્રારંભ થયો. વિશ્વના ઇતિહાસકાર ઇસવીસન પૂર્વે અને પછી એમ લખતા હોય છે, એ રીતે કચ્છનો ઇતિહાસ લખવો હોય તો ધરતીકંપ પૂર્વે અને પછી એમ લખાય. હજારો યાયાવર
પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે કચ્છનાં અભયારણ્યની મુલાકાતે આવે છે. હજારો/લાખો
મુલાકાતી પણ કચ્છની મુલાકાતે આવે છે. કોઇ પ્રવાસનની દૃષ્ટિએ.. કોઇ ઉદ્યોગોની સ્થાપના
માટે ઊજળી તક માની.. કોઇ રોજીરોટી માટે તો કોઇ ધમધમાટ ચાલતી કંપનીઓના વહીવટને સુચારુ
રૂપે ચાલતો રાખવા વ્યવસાયિકની રીતે..આજે કચ્છની ગણના શ્રેષ્ઠ ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે
થાય છે, પણ જેમનું મૂળ વતન કચ્છ છે એવા વિસ્થાપિત થયેલા કચ્છીઓ
માટે કચ્છ પ્રત્યેક શ્વાસમાં વસે છે. રોજીરોટી માટે દેશ-દેશાવર પહોંચેલા કચ્છીઓ ભલે
ત્યાં સેટલ થયા હોય, પણ કચ્છ એમને માટે સર્વસ્વ છે એટલે જ કચ્છના
ગામોના મહાજનો કરોડો રૂપિયાનાં દાન આપી સખાવતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. મૂળ
કચ્છના પણ વિસ્થાપિત થયેલા હજારો કચ્છીઓની લાગણીઓને ઝંઝેડતું, જેવાયએફ અને જન્મભૂમિ અખબાર ગ્રુપ-કચ્છમિત્ર દ્વારા પ્રસ્તુત નવાં નાટક `ધ્રુજારી'ને એસ્પી
થિયેટરમાં જોવાનું થયું. માર્ચ મહિનાની શરૂઆતે હાર્દિક મામણિયાનો એક સવારે ફોન રણક્યો.
એકબીજાંને ગમતા રહીએ.. વડે સંવાદની સંમોહક શરૂઆત. મારો પ્રણામનો પ્રતિઘોષ. હાર્દિક
સમય વેડફ્યા વગર મુદ્દાની વાત કરે. કહ્યું, 10 માર્ચના ધ્રુજારીનો છઠ્ઠો શો એસ્પીમાં છે. આપે અતિથિવિશેષ તરીકે
આવવાનું છે. હાર્દિકને કોઇપણ વાતે ના ન પડાય એનું એક જ કારણ એની માટેનો મારો આદર અને
મિત્રતા. જેવાયએફના પોઈન્ટ પર્સન તરીકે કામઢાં હીના સાવલા પછી સંપર્કમાં રહી પ્રક્રિયાને
આગળ વધારે છે. 10 માર્ચના કહેલા ટાઇમ પર સમયસર
પહોંચું છું. પ્રેક્ષકો છૂટાછવાયા. પરિચિત ચહેરાઓ આવે છે અને ઉષ્માભેર મળે છે. શો શરૂ
થવાને હજી વાર છે. વાગડ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઇ રીટા સાથે વાર્તાલાપમાં જોડાયો..
અને ધ્રુજારી નાટકની શરૂઆત થઇ. આત્મીય મિત્ર અને માતબર સર્જક વસંત મારુ સાથે રહી ઘડાયેલા
વિજય ગાલાની સ્વતંત્ર નાટયસફરથી માહિતગાર છું. સમય સમય પર ફોન કરી, વોટ્સએપનાં માધ્યમથી સંપર્કમાં રહેતા વિજય ગાલા
કચ્છી નાટક જગતમાં હવાની તાજી લહેરખી લઇ આવ્યા છે. રિષભ છેડા ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી
તરીકે એક્સેલન્ટ. કલાનો પારખુ જીવ.. બેઉ નાટય ક્ષેત્રે સાતત્યપૂર્ણ ઉચ્ચકક્ષાની કૃતિઓ
આપતા રહ્યા છે. વિજય ગાલા કચ્છી નાટકોમાં આધુનિકતા
લાવ્યા છે. મૂળે નાટકનો જીવ છું એટલે હું નાટય વિવેચનમાં સ્પષ્ટ હોઉં છું. કચ્છી નાટકો
એક ઘરેડમાં બનાવી પ્રેક્ષકોને માથે મરાતાં હોય છે. વિષય, લખાણ,
માવજત, ક્રિપ્ટ, એક્ટિંગ,
લાઇટ વ્યવસ્થા, મંચસજ્જા, પ્રોડક્શન વેલ્યુ સ્થિર અને એક પ્રકારનાં લાગે. કશુંય પડકારરૂપ કરવું નહિ..
બીબાંઢાળ કચ્છી નાટકો (ભલે એ પછી ગુજરાતીમાં ભજવાતાં હોય.) જોવા જેવુંની ફાલિંગ લાવતાં
હોય છે. રૂપાંતરો ક્યારેય કચ્છી રંગભૂમિને મજબૂત ન બનાવી શકે. દિગ્દર્શક વિજય ગાલાએ
રાઇટર હર્નિશ સાથે મૂળ લેખનનો નવો ચીલો ચાતર્યો છે.. પણ સાચું કહું તો ધ્રુજારી નાટકના
વિષય વિશે જાણકાર નહોતો. નાટકનો વિષય ઉત્તમ, પ્લોટનું પોત પાતળું
અને ધારી શકાય તેવું. કલાકારોનો અભિનય સરસ.. ધ્રુજારી નાટકનું નિર્માણસ્તર જબરદસ્ત. રિવોલ્વિંગ સ્ટેજનો ઉપયોગ નાટકનાં સીન્સની
અસરમાં જબરો વધારો કરે. ઇન્ટરવલમાં હાર્દિકના કાનમાં કહ્યું : દોસ્ત તને નબળું તો કાંઇ
ચાલે નહિ. હાર્દિક હસ્યો.. હાર્દિક મામણિયા
થોટ લીડર છે. તેનામાં આક્રમકતા નહિ, પણ અડગતા છે. પરિણામો લઇ આવવાની મક્કમતા છે. જન્મભૂમિ
ગ્રુપ ઓફ ન્યૂઝપેપર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં મેનાજિંગ ટ્રસ્ટીપદે આવી હાર્દિકે આરંભેલાં
અભિયાનો, કાર્યપ્રારંભો, નવા આયામોને બારીકીથી જોતો હોઉં છું. અતિશય કાબેલ અને દક્ષ વ્યક્તિત્વ..
ઘરેડમાં ન જ ચાલે. સતત કાંઇક નવું કરતો રહે. કચ્છમિત્રને વધુ લોકપ્રિય કરવામાં તેમનો સિંહફાળો.. હાર્દિકમાં એ રીતે હું
ઘણી વૈચારિક સમાનતા જોઉં. મધ્યાંતરમાં મહાનુભાવોને
સ્ટેજ પર ઊભા રાખી, ફૂલગુચ્છ કે શાલ ઓઢાડયા વગર, કચ્છમિત્રના વિશેષાંકથી નવાજવાનું હાર્દિક જ વિચારી શકે. આમ, મધ્યાંતર પ્રેક્ષકોનો રસભંગ કર્યા વગર રોચક બને.. ધ્રુજારી નાટક એ રીતે જેવાયએફ અને કચ્છમિત્રની મુંબઇ,
ભારતભર, દૂર દેશાવરમાં વસતા કચ્છીઓને આપેલી અદ્ભુત
ભેટ છે.. ધ્રુજારી એક જબરદસ્ત વૈચારિક આંદોલન
લઇ આવ્યું છે. અનુભવ કરજો અને એ દિશામાં અવશ્ય
વિચારજો..