• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

મહાકુંભમાં કચ્છી મહંતનો ભંડારો

ગૌરીશંકર કેશવાણી `જ્યોત' દ્ધારા : મુંદરા, તા. 3 : પ્રયાગરાજમાં ત્રિવેણીસંગમ ગંગાકિનારે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે સેક્ટર નંબર-6માં કચ્છના સંતનો અખાડો-કેમ્પ છે, જેમાં કચ્છી નાગાબાવા મહંત  ચતુરાનંદગિરિજી મહારાજ ટાટમબરી (કરપાત્રીજી) અને દિગંબર પ્રભાતગિરિજી મહારાજ મહાકુંભમાં ધૂણા સાથે તંબુ બનાવી તપશ્ચર્યા કરી રહ્યા છે. તેઓની સાથે કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના 500થી વધુ ભક્તે શાહીસ્નાનનો લાભ લીધો હતો. ચતુરાનંદગિરિજીએ સચિવ મહંત શંકરાનંદ સરસ્વતી, સચિવ ગંગાગિરિ સાથે અને ભૈરવગિરિજી સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં તેમના ગુરુ બ્રહ્મલીન મહંત કલ્યાણગિરિજીના નામે શ્રીપંચાયતી તપોનિધિ આનંદ અખાડા અને શ્રીપંચાયતી તપોનિધિ નિરંજની અખાડામાં સમષ્ટિ ભંડારો કરાવ્યો હતો, જેમાં વ્યવસ્થાપક દિગંબર પ્રભાતગિરિજી મહારાજ તેમજ પારસગિરિજી માતાજી અને મહંત હરિહરેશ્વરગિરિજી મહારાજ સાથે રહ્યા હતા. નોંધનીય છે કે, મહંત ચતુરાનંદગિરિજી પૂર્વાશ્રમે કચ્છના ભિટારાના કચ્છી રાજગોર સમાજના માકાણી પરિવારના છે. તેઓ 13 વર્ષની નાની ઉંમરે સંસાર ત્યાગ કરી સાધુ બન્યા અને પંચ દશનામ જૂના અખાડામાં રહીને વર્ષો સુધી તમામ વિધિઓ શીખી નિયમોનું પાલન કરી નાગાબાવા બન્યા, પછી અનેક જગ્યાએ ભ્રમણ કર્યું. મુંબઈ પાસે બદલાપુરના શીરવાડીની આપ્ટેવાડીમાં તેમનો કચ્છી આશ્રમ છે અને મધ્યપ્રદેશમાં નર્મદા કિનારે તેમનો આશ્રમ છે. તેમની વિશેષતા એ છે કે, પોતે કરપાત્રી સાધુ હોવાથી દિવસમાં એક જ વાર બે હાથમાં જેટલું ભોજન આવે એટલું જ ગ્રહણ કરે છે અને એ પણ કોઈ આપે ત્યારે જાતે કોઈની પાસેથી માંગે નહીં. 1998માં હરિદ્વારમાં કુંભ મેળો યોજાયો ત્યારે તેઓ ટાટમબરી (શણનો પહેરવેશ) અંગીકાર કર્યો છે, ત્યારથી તેઓ એક જ વસ્ત્ર ધારણ કરે છે. એ જ પહેરવાનું ઓઢવાનું અને પાથરવાનું એવી ટેક લીધેલ છે અને ખાસ પૈસાને સ્પર્શ નથી કરતા. એમના ભક્તો દ્વારા દર વર્ષે મુંબઈમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અને કચ્છ નવાવાસમાં પ્રાગટય દિવસ ઊજવાય છે. કુંભમેળામાં એમના કેમ્પમાં 150થી વધુ સેવક સેવા આપી રહ્યા છે. કચ્છના માંડવી, મસ્કા, નવાવાસ, નાગલપુર, ગુંદિયાળી તેમજ અન્ય ગામેથી 100થી વધુ સેવક સેવા આપવા અને પવિત્ર કુંભ સ્નાન કરવા ગયા છે તેમજ સમગ્ર દેશમાંથી રોજના 300થી વધુ સેવક કુંભ સ્નાન કરી દર્શન પ્રસાદનો લાભ લઇને જાય છે અને મહાશિવરાત્રિ સુધી ભક્તોની અવર-જવર ચાલુ રહેશે. ચતુરાનંદગિરિજી મહારાજે કહ્યું હતું કે, કુંભમેળા દરમ્યાન સેવકો દર્શન પ્રસાદનો લાભ લઇ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd