• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

ચેતી જજો : કેન્સરથી થતાં મોતમાં ત્રણગણો વધારો

ડો. સમૃદ્ધિ રામાણી દ્વારા : ભુજ, તા. 3 : લોકોમાં કેન્સર વિશે જાગરુકતા, તેની સારવાર, અટકાયત તથા નિદાનનાં મહત્ત્વને ઉજાગર કરવા દર વર્ષે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર ડે ઊજવાય છે. આ વર્ષે `યુનાઈટેડ બાય યુનિક' થીમ હેઠળ આ દિવસની ઉજવણી કરાશે. ભારતમાં કેન્સરની બીમારીએ ભરડો લીધો છે. દર વર્ષે અઢી ટકાના દરે તેમાં વધારો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં રોજના કેન્સરના 10 નવા કેસ મુજબ વર્ષના 3000 નવા કેસનો ઉમેરો થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ મુજબ કચ્છમાં 2023ની તુલનાએ 2024માં કેન્સરથી થતાં મોતમાં ત્રણગણો વધારો થયો છે તે અત્યંત ચિંતાની બાબત છે. વૈશ્વિક કેન્સર બોર્ડના 2022ના આંકડા મુજબ અંદાજિત 9.7 કરોડ મૃત્યુ, 9માંથી એક પુરુષ તથા 12માંથી એક ત્રી આ રોગથી જીવ ગુમાવે છે. પાંચમાંથી એક વ્યક્તિ તેમના જીવનકાળ દરમ્યાન કેન્સરનો સામનો કરે છે. 2050 સુધીમાં કેન્સરના કેસ 2022ની સરખામણીમાં 77 ટકા વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં 2022માં કેન્સરના કેસોની અંદાજિત સંખ્યા 14,61,474 (1,00,000 દિઠ 100.4) હોવાનું જાણવા મળ્યું હતું. ભારતમાં  નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના છે. ભારતમાં મોં તથા ગળાનું કેન્સર, સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર વધુ જોવા મળે છે. ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી ત્રીઓમાં મુખ્ય કારણ ગર્ભાશયના મુખનું કેન્સર (સર્વાઈકલ કેન્સર) છે. દરવર્ષે ભારતમાં તેના લગભગ 1.3 લાખ કેસ નોંધાય છે તથા તેના કારણે 80,000 ત્રીનાં મૃત્યુ થાય છે. શરીરમાં થતાં જુદાં-જુદાં કેન્સર હેડ એન્ડ નેક સંબંધિત હોય છે. આરોગ્ય સંસ્થાના ડેટા મુજબ ત્રણથી પાંચ ટકા કેન્સર બાળકોમાં જોવા મળે છે. ભારતમાં અંદાજે 50 હજારથી વધુ બાળકમાં કેન્સરનું અનુમાન છે. બાળકોમાં બ્લડ કેન્સર તથા મગજનું કેન્સર વધુ હોય છે. પુરુષોમાં 50 ટકા કેન્સરનું કારણ તમાકુ છે. આ અંગે ભુજની અદાણી સંચાલિત જીએઆઈએમએસ જી.કે. જનરલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ચીફ મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણીએ કહ્યું કે, ભારતમાં તમામ પ્રકારના કેન્સરમાં ટોચનું સ્થાન કાન, નાક અને ગળાનું છે. ભારતમાં અંદાજે 3-5 લાખ લોકો કેન્સરનો ભોગ બને છે. જી.કે. જનરલમાં અત્યાર સુધીમાં લગભગ 1200 જેટલા મોં, જીભ, ગળાના કેન્સરના ઓપરેશન થયાં છે. તમાકુમાં 28 જેટલા કેન્સરના ઝેરી તત્ત્વો છે. જીભ, ગળા, મોઢું, તાળવું તથા ગળાના કેન્સર થવા માટે 80 ટકા કરતાં વધુ કિસ્સામાં તમાકુ, સોપારી, દારૂ સહિતના વ્યસનો જવાબદાર છે. રાસાયણિક રીતે પકવેલ ધન-ધાન્ય તથા શાકભાજીને કારણે પણ કેન્સરની સંભાવના વધી જાય છે. આ રોગથી બચવા તમાકુ, દારૂ, ગુટખાનું વ્યસન છોડી દેવું જોઈએ, તમાકુનું વ્યસન દૂર થઈ જાય, તો 80 ટકાથી વધુ કેન્સર અટકાવી શકાય. ક્યારેક માત્ર સોપારી ખાવાથી પણ કેન્સર થઈ શકે છે. સોપારીને બિનઆરોગ્યપદ ગણવામાં આવે છે. સોપારી સાથે તમાકુ ભેળવીને  ખાવાથી તેનું જોખમ અનેકગણું વધી જાય છે. છેવટે ઓપરેશન વિકલ્પ બચે છે. જો આ રોગથી બચવું હોય તો વ્યસન ત્યજવું પ્રથમ શરત છે. કચ્છના ઓન્કોલોજિસ્ટ ડો. વિકાસ ગઢવીએ પણ અગાઉ વ્યસન, તણાવ, બેઠાડુ જીવન સહિતના પરિબળોના કારણે 35 વર્ષની વયના લોકો પણ આ રોગમાં સપડાતા હોવાનું ઉમેરતાં જીવનશૈલીના બદલાવ પર ભાર મુકયો હતો. ગાંધીધામના સ્ટર્લિંગ હોસ્પિટલના કેન્સર સર્જને પણ શરૂઆતી લક્ષણોમાં કેન્સર જણાય, તો  તબીબની સલાહ લેવા તથા કેન્સરની સારવાર બાદ દર્દીએ બે વર્ષ સુધી દર ત્રણ મહિને તથા ત્યાર બાદ બીજા ત્રણ વર્ષ સુધી દર છ મહિને કે વર્ષમાં ફોલોઅપ કરવું જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ડાયાબિટીસ નિયંત્રણ જરૂરી હોવાનું કહ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલના ડો. રેખાબેન થડાણી મુજબ બાળકોમાં કેન્સર માટે આનુવાંશિક કારણ જવાબદાર હોવાનું કહ્યું હતું. બાળરોગ કેન્સરના લક્ષણો જણાવતાં અચાનક વજન ઘટવું, માથું દુ:ખવું, ખેંચ આવવી, લોહીમાં રક્તકણ ઘટી જવા, શરીર તથા ગરદનમાં ગાંઠ, વારંવાર રક્તત્રાવ, ત્વચા પર ઊંડા તથા લાલ ડાઘા સહિતના લક્ષણો અંગે વડીલોએ સાવધ રહી નિષ્ણાતોની સલાહ લેવા પર ભાર મૂક્યો હતો. પીએમજેએવાય-એમએ અંતર્ગત છેલ્લાં છ વર્ષમાં ગુજરાતમાં બે લાખથી વધુ કેન્સરના દર્દીને નિ:શુલ્ક સારવાર મળી છે. વર્ષ 2024માં જીસીઆઈએ 78 લોકો તથા જાગરુકતા લેક્ચર્સ દ્વારા 4550  લોકોને લાભ પહોંચાડાયો હતો. ભારત સરકારે પણ ભારતમાં વધતા કેન્સરના કેસોને ધ્યાને લઈ ટ્રાન્સ્ટુઝુમાબ ડેરુકસટેકન, ઓસિમેર્ટિનિબ, દુર્વાલુમાબ સહિતની કેન્સરની દવાઓના જીએસટી 12 ટકાથી ઘટાડી હવે 5 ટકા કરી દીધો છે. આ ઉપરાંત પેમ્બ્રોલિઝુમાબ, કુલ્વેસ્ટ્રેંટ, ઓરાપારિબ, ઈબ્રુટિનિબ સહિતની કેન્સરની દવાઓમાંથી કસ્ટમ ડયૂટી નાબૂદ કરી છે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા કેન્સરના જરૂરિયાતમંદ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓને માટેના પેપ 1.0, ડેકોકેર, હેમાકેર, લોરબ્રિકવાકેર સહિતના આસિસ્ટન્ટ દર્દી સહાય કાર્યક્રમમાં પણ લાગતી ઈમ્પોર્ટ ડયૂટી નાબૂદ કરાતાં દર્દીઓને આર્થિક રીતે ફાયદો થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd