• બુધવાર, 13 નવેમ્બર, 2024

ભુજમાં સંતવાણીનાં માધ્યમથી આરોગ્ય માટે ફાળો એકત્ર

ભુજ, તા. 9 : સંત શિરોમણિ જલારામ બાપાની 225મી જન્મજયંતી નિમિત્તે બાપા દયાળુ આયોજિત રવાણી પરિવાર દ્વારા દિગ્ગજ કલાકાર કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ યોજાયો હતો. સંતવાણીના કાર્યક્રમમાં દાતાઓ પણ મન મૂકી વરસ્યા હતા. વિવિધ સેવાકીય કાર્યો અને નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા 18 વર્ષથી કાર્યરત બાપા દયાળુ ગ્રુપ દ્વારા જલારામ બાપા જન્મજયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભુજ ખાતેનાં સૌથી જૂનાં મંદિર એટલે રવાણી પરિવારથી જાણીતા છેલ્લાં 19 વર્ષથી કાર્યક્રમ થતા રહે છે, આ કાર્યક્રમમાં કીર્તિદાનભાઇ ગઢવીએ પણ બાપા દયાળુ અને રવાણી પરિવારના વર્ષો જૂના નાતાને યાદ કરી કહ્યું હતું કે, આ પરિવારથી વર્ષો જૂનો નાતો છે અને પરિવારની ભાવનાથી મુંબઇ ખાતે આજે કાર્યક્રમ હતો તે રદ્દ કરીને પોતે અહીં આવ્યાનું જણાવ્યું હતું. જલારામ બાપાના ભજનો સાથે વીરપુરનો મહિમા જણાવતાં કહ્યું હતું કે, વીરપુર અને કબરાઉ સ્થળોએ કોઇ દાન સ્વીકારાતું નથી. અસુરો સાથે માતાજીનાં યુદ્ધ સમયના રૂપનું વર્ણન સાથે હે જગ જનની... ભજનમાં પણ?કલાકારે જમાવટ કરી હતી, તો `લાડલી' ગાઇ મહિલાઓની આંખમાં આંસુ લાવી દીધાં હતાં. ડાકોરના ઠાકોર... પ્રસ્તુતિમાં પણ શ્રોતાઓની દાદ મેળવી હતી. બાપા દયાળુ ગ્રુપ દ્વારા મંદિરમાં સવારે પૂજા-અર્ચન, રવાડી, બપોરે મહાપ્રસાદ, સાંજે મહાઆરતી અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. કલાકારો પર થયેલ ઘોરની રકમમાં જે બચત થશે, તે આરોગ્ય સેવામાં વપરાશે, તેવી માહિતી આપી હતી. જય જલિયાણના જયઘોષ સાથે થયેલ સંતવાણીના કાર્યક્રમને બાપા દયાળુ ગ્રુપે ઐતિહાસિક ગણાવ્યો હતો. મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો, ભજનપ્રેમીઓ, શ્રોતાઓએ લાભ લીધો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang