અંજાર, તા. 9 : અહીંના લોહાણા મહાજન ટ્રસ્ટ સંલગ્ન શ્રી જલારામ
જન્મજયંતી ઉત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણિ પૂ. જલારામ બાપાની 225મી જન્મજયંતી દાતાઓના
સહયોથી ખૂબ જ ધામધૂમ અને ભાવપૂર્વક ઊજવવામાં આવી હતી. સવારે જલારામ મંદિરે પ્રાત: પૂજન કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા ગંગાઘાટ પર પહોંચી
હતી, ત્યાં પૂજન - અર્ચન કર્યા બાદ નગરના મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી મંદિરે પરત
આવી હતી. બપોરે 2 લોહાણા મહાજનવાડી મધ્યે આયોજિત સમૂહ પ્રસાદમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ
પ્રસાદનો લહાવો લીધો હતો. આ અવસરે મુખ્ય દાતા નર્મદાબેન મૂળજીભાઈ શામજીભાઈ પટેલ (પાદરાઈ)
પરિવાર વતી રમણીકલાલ તથા જિગરભાઈ મુખ્ય યજમાન પદે રહ્યા હતા. પૂજાચિઠ્ઠીના ભાગ્યશાળી
તથા દાતા લવજીભાઈ દામજીભાઈ માણેક પરિવાર વતી શૈલેશભાઈ માણેક અને તેમના પરિવાર સાથે અંજાર લોહાણા મહાજન ટ્રસ્ટના
અધ્યક્ષ પિન્ટુભાઇ ચંદેએ પૂજાવિધિ કરી હતી. વિશાળ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણોમાં વિવિધ ફ્લોટ્સ,
લોહાણા યુવતી મંડળ દ્વારા રાસની પ્રસ્તુતિ તથા રઘુવંશી મહિલા ગ્રુપ દ્વારા નાસિક ઢોલ
તેમજ લોહાણા મહિલા મંડળ દ્વારા આરતીની થાળી શણગાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાના સમગ્ર રૂટ પર જ્ઞાતિજનો માટે રિફ્રેશમેન્ટ માટે લોહાણા સ્વયંસેવક મંડળ,
કોડરાણી પરિવાર, પલણ પરિવાર, મુરલી બેકરી (અલ્પેશભાઈ વિશ્રામભાઈ વોરાણી) તથા દિલીપભાઈ
જગજીવનભાઈ ચંદેએ સેવા- સહયોગ આપ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર અંજારના સંતોએ
આશીર્વાદ આપ્યા હતા તેમજ અંજાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ખાસ
ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા
દાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ સત્સંગ મંડળ તથા અન્ય મંડળો દ્વારા
શ્રી લોહાણા મહાજનના અધ્યક્ષ પિન્ટુભાઈ ચંદેનું તેમજ અંજાર નગર સેવા સદનના અધ્યક્ષ
વૈભવભાઈ કોડરાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં મહાજનના ટ્રસ્ટીઓ,
સ્વયંસેવક મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, યુવતી મંડળ, રઘુવંશી પરિવાર, રઘુવંશી મહિલા
ગ્રુપ, રામ ઓટા મિત્રમંડળ, જલારામ સત્સંગ મંડળ, ઇન્ટરનેશનલ લોહાણા સમાજના સદસ્યોએ જહેમત
ઉઠાવી હતી.