• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભુજના રેલ મથકે યાત્રિકોના મોટા-મોટા સમૂહ ઊતર્યા

ભુજ, તા. 1 : વર્ષોથી આસો નવરાત્રિ દરમ્યાન કચ્છમાં માતાના મઢમાં આશાપુરા માતાજી પ્રત્યે આસ્થા-શ્રદ્ધા અને વિશ્વાસ પ્રગટ કરવા ભાવિકો દૂર દૂરથી પગપાળા, પોતીકાં વાહન અને અન્ય જાહેર વાહન વ્યવહારનાં સાધનોનાં માધ્યમથી મોટી સંખ્યામાં આવતા હોય છે. આ માધ્યમો પૈકી રેલવે મુસાફરી કરીને ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, કોસંબા, મુંબઇ અને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાજુના માઇભક્તો ભુજ આવીને પછી ભુજથી માતાના મઢ પગપાળા યાત્રા કરતા જોવા મળે છે. ભુજ ઊતરી સ્નાન આદિ કરીને ભુજના આશાપુરા મંદિરે દર્શન કરીને પોતાની યાત્રાને આગળ વધારતા હોય છે. માતાજીનો મહિમા દિનપ્રતિદિન વધતો હોવાથી પગપાળા યાત્રા હવે દશેક દિવસ ચાલતી હોવાથી ભાવિકો પોતાના સમયાનુકૂળ આવીને ઘણી વખતે શ્રાદ્ધ પક્ષમાં પણ દર્શન કરીને આસ્થા પૂર્ણ કરતા જોવા મળે છે. યાત્રા દરમ્યાન રેલવે મથક, બસ સ્ટેશન અને એરપોર્ટ પર વધુ ભીડ જોવા મળે છે. મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને કારણે પેસેન્જરની હેરાફેરી સાથે સંકળાયેલા વાહનમાલિકોને તડાકો જોવા મળે છે. ભુજ રેલવે મથકની જેમ ભચાઉ, સામખિયાળી, ગાંધીધામ, અંજારના રેલવે મથક ઉપર મોમાયમોરા, રવેચી, એકલ, જોગણીનાળ સહિતના શક્તિસ્થાનકોને નમતા ભાવિકોથી ગૂંજી ઊઠે છે. નવલાં નોરતાં અને શક્તિસ્વરૂપાની આરાધનાના વિશેષ પર્વમાં કચ્છીઓ પોતાની કુળદેવીનાં દર્શન કરવા પણ આવતા હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang