અયોધ્યા, તા. 7 : અંધારા ઉલેચાય અને પ્રકાશ પથરાય
તેવા શુભભાવ સાથે દેશભરમાં ઊજવાતાં પ્રકાશપર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ શનિવારે રાત્રે
`રામનગરી'
અયોધ્યા વધુ એકવાર ઇતિહાસની સાક્ષી બની હતી. સરયૂ નદીના કાંઠે રામ કી
પૈડી સહિત 56 ઘાટ પર એક
સાથે 30 લાખ દીવડા પ્રગટાવીને નવો જ
વિશ્વ વિક્રમ રચાયો હતો. નેતાઓ, રામભક્ત
સમુદાયની સાક્ષીમાં 10મા દીપોત્સવ
પર્વના પ્રસંગે ભક્તિ, આસ્થા,
ઉલ્લાસ, સંસ્કૃતિના સંગમથી અયોધ્યાનગરી ઉત્સવના
રંગે રંગાઇ અને દીવડાઓના, રોશનીના ઝગામગા અજવાસથી દીપી ઊઠી હતી.
શનિવારની સવારે સાકેત મહાવિદ્યાલયથી શ્રીરામ રાજ્યાભિષેક શોભાયાત્રાથી શરૂ થયેલો દીપોત્સવ
રાત્રે 30 લાખ દીવડાની રોશની, સરયૂની મહાઆરતી, ડ્રોન
શો, લેઝર શો અને આતશબાજી સાથે પચકાષ્ઠા પર પહોંચી હતી. રામ કી
પૈડી અને સરયૂ ઘાટ પર લેઝર શો દ્વારા બતાવાયેલી રામાયણે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
2100 ડ્રોન દ્વારા વિશેષ શો યોજાયો
હતો, તો 147 ભક્તે સરયૂની મહાઆરતી પણ કરી હતી. અગાઉ અયોધ્યામાં લગભગ ત્રણ
કલાક સુધી ફરેલી શોભાયાત્રાથી માર્ગો છલકાયા હતા,
જેમાં 21 ઝાંખીના માધ્યમથી
રામાયણના સાત કાંડ દર્શાવાયા હતા. દીપોત્સવ પર્વની ભવ્યતાની સાથે મોહક રામનગરીની રોનક
માણવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર,
બિહાર સહિત દેશભરમાંથી ભક્ત સમુદાય વિશાળ સંખ્યામાં ઊમટી પડયો હતો. શોભાયાત્રા
દરમ્યાન 14 રાજ્યના 500થી વધુ કલાકારે
પોતાના પ્રદેશોની પરંપરાઓ અને લોક-સંસ્કૃતિઓની ઝલક આપતી કલાત્મક પ્રસ્તુતિઓથી સૌ કોઇને
મંત્રમુગ્ધ કરી દીધા હતા. રામકથા પાર્કમાં ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક પ્રસંગ યોજાયો
હતો. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને સૌથી પહેલાં પ્રભુ શ્રીરામને રાજતિલક કર્યું
હતું. ત્યારબાદ રાજ્યપાલ આનંદબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજતિલક કરીને આરતી ઉતારી હતી. મંત્રોચ્ચાર,
શંખનાદ અને પ્રગટેલા દીવડાઓની કતારો વચ્ચે સરયૂ નદીના કાંઠે અદ્ભુત દૃશ્ય
રચાયા હતા. રંગીન રોશનીથી ઝળકેલાં આકાશ, દીવડાઓથી દીપી ઊઠેલી
રામનગરીએ ફરી એકવાર વિશ્વને અયોધ્યાના આધ્યાત્મિક, સાંસ્કૃતિક
વારસાનો સંદેશ આપ્યો હતો.