નવી દિલ્હી, તા. 6 : મતદારયાદીના
વિશેષ ગહન સુધારણા (સર) કાર્યક્રમ સંબંધિત નિર્ણયોમાં ચૂંટણીપંચના આંતરિક મતભેદો અને
મનસ્વી કાર્યપદ્ધતિ સહિતના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશકુમારના રાજીનામાની
માગણી સાથે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં
આજે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ,
સપા, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુટીબી), ડાબેરી દળો, રાજદ સહિતના વિપક્ષી દળોના 300 જેટલા સાંસદો, નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ ચૂંટણીપંચ ભણી કૂચ કરી
હતી. દિવસભરના દેખાવો, કલાકો સુધીના ધરણા સહિતના નાટકીય ઘટનાક્રમ
બાદ મોડી રાત્રે પોલીસે રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓને અટકાયતમાં લીધા હતા અને
મોડેથી તેમને કિંગ્સ્વે કેમ્પ ખાતેથી મુક્ત કરાયા હતા. વિપક્ષોની કૂચ જો કે,
આ પહેલાં જ ચૂંટણીપંચના મુખ્યાલયને સુરક્ષા બંદોબસ્તથી છાવણીમાં ફેરવી
નાખવામાં આવ્યું હતું. બેરિકેડ લગાવીને વિપક્ષી નેતાઓની આ માર્ચને અટકાવી દેવામાં આવી
હતી. જેના પગલે વિપક્ષી નેતાઓએ પંચના કાર્યાલયથી 100 મીટરના અંતરે આવેલા આકાશવાણી
પરિસરમાં ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા હતા. જો કે,
ત્યાંથી તમામને હટાવવા માટે રાહુલ, પ્રિયંકા સહિતના
નેતાઓને દિલ્હી પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. આ દરમિયાન પંચના કાર્યાલય સુધી પહોંચવા
માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ પોલીસે લગાવેલી બેરિકેડ ઉપર ચઢીને વિરોધ પ્રદર્શન કરતા
પણ નજરે પડયા હતા. બીજી તરફ ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, કોઈ
પક્ષે તેમને મળવા માટેનો સમય માગ્યો નહોતો. પ્રદર્શન દરમિયાન તંગદિલી ફેલાઈ ગઈ હતી.
કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને સમર્થકોએ ચૂંટણીપંચમાં પ્રવેશવાનો પ્રયાસ
કરતાં સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું.
આ કૂચના હિસાબે વિસ્તારમાં કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષી
નેતાઓની આ કૂચને પોલીસે નીતિ આયોગના કાર્યાલય નજીક રોકી લીધી હતી અને ત્યાં ઝરેલી ચકમકમાં
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના
અન્ય સાંસદોને અટકાયતમાં પણ લઈ લેવામાં આવ્યા હતા. જો કે, લગભગ
બે કલાક બાદ પોલીસે તેમને છોડી દીધા હતા. પ્રદર્શનકારી નેતા અને સમર્થકોએ પંચના વડામથક
તરફ કૂચ કરતાં વોટ ચોર, ગદ્દી છોડ જેવી નારાબાજી પણ કરી હતી.
રાહુલે બેરિકેડ ઉપર ચડીને તિરંગો લહેરાવ્યો હતો અને સાંસદોએ રસ્તા ઉપર બેસીને ધરણાં
કર્યા હતા. બીજેડીના રાજ્યસભા સાંસદો પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે
કે, એનડીએ કે ઈન્ડિયા ગઠબંધનથી અલિપ્ત રહેલા પક્ષે આમાં સામેલ
થઈને રાજકીય તજજ્ઞોનું ધ્યાન ખેંચ્યું હતું. આજના આ દેખાવામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સાથે
તૃણમૂલના અભિષેક બેનરજી, ડેરેક ઓ'બ્રાયન,
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપીના સુપ્રિયા
સુલે અને શિવસેનાના સંજય રાઉત અને અરવિંદ સાવંત પણ સામેલ થયા હતા. વિપક્ષી નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના
રાજીનામા અને સર રદ કરવાની માંગ સાથે ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશકુમાર પર વોટચોરીનો આરોપ લગાવ્યો હતો. રંજિત રંજને કહ્યું
કે, રાજીનામું ન થાય ત્યાં સુધી વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે.
તૃણમૂલના અભિષેક બેનર્જીએ સર અને પંચને લઈને લોકોમાં વધી રહેલી નારાજગીનો દાવો કર્યો,
જ્યારે અખિલેશ યાદવે ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા. શિવસેના
(યુટીબી)એ મતદારયાદીમાંથી દૂર કરાયેલા નામો ફરીથી ઉમેરવાની માંગ કરી હતી.