નવી દિલ્હી, તા. 30 : મેડિકલ ક્ષેત્રે
પોસ્ટ ગ્રેજ્યુએટ (એમડી/એમએસ) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા સ્નાતક તબીબો માટે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સીસ દ્વારા દેશભરમાં નીટ-પીજી પરીક્ષા
રવિવારે લેવાઈ હતી. આ વખતની પરીક્ષા પદ્ધતિમાં નોંધપાત્ર બદલાવ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર પ્રશ્નપત્રને 5 અલગ-અલગ સમયબદ્ધ (ટાઇમ-બાઉન્ડ) વિભાગોમાં
વહેંચવામાં આવ્યું છે. સવારે 9:00થી બપોરે
12:30 વાગ્યા સુધીના 3 કલાક અને 30 મિનિટના સમયગાળા દરમિયાન લેવાયેલી
આ કસોટીમાં દેશભરમાંથી 2.28 લાખથી વધુ
તબીબી ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. પરીક્ષાના નવાં માળખાં મુજબ, કુલ 800 ગુણની આ પરીક્ષામાં 200 બહુવિકલ્પી (ખઈચ) પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સમગ્ર પ્રશ્નપત્રને
5 ભાગમાં વિભાજિત કરાયું હતું, જેમાં પ્રત્યેક વિભાગમાં 40 પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે
42 મિનિટનો ચોક્કસ સમય ફાળવાયો
હતો. એકવાર નિયત 42 મિનિટ પૂર્ણ થયા બાદ તે ભાગ
ઓટો-લોક થઈ જતો હતો અને ઉમેદવાર ફરી તે વિભાગના પ્રશ્નો જોઈ શકતા નહોતા. કસોટીમાં સાચા
ઉત્તર માટે 4 ગુણ મળશે અને ખોટા ઉત્તર બદલ 1 ગુણ કપાશે ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગત વર્ષના ઉમેદવારોની સરખામણીએ આ વર્ષે આંકડો
વધીને 15,000ને પાર પહોંચી ગયો છે. સમગ્ર
રાજ્યમાં આશરે 50 જેટલા પરીક્ષા કેન્દ્રો ઊભા
કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 16 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં અંદાજે 4,000 જેટલા વિદ્યાર્થીઓ કસોટી આપી
રહ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પર 100થી 250 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે
તેવી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે ઓળખ પ્રક્રિયા વધુ સઘન બનાવતા
આધાર આધારિત ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરાઈ છે. જો કોઈ સંજોગોમાં
ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તો આઇરિસ (તારક) સ્કેન દ્વારા ઓળખ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા
પણ ઉપલબ્ધ રખાઈ છે. પ્રવેશતા પહેલાં તમામ ઉમેદવારોના અસલ ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ
કર્યા બાદ જ સેન્ટરમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી.