નવી દિલ્હી, તા. 30 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતના અમેરિકામાં આપવામાં આવેલા `િવવિધતામાં એકતા'વાળાં નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી
છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ એવું વિચારે છે
કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે પોતે પણ હિન્દુ રહેશે
નહીં. જેના પર રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે રવિવારે ભાગવતના નિવેદન પર નિશાન સાધતાં
કહ્યું કે, માત્ર શબ્દોનું મહત્ત્વ નથી ધરાવતા, પરંતુ કામ પણ દેખાવું જોઈએ. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, `પહેલો સવાલ એ છે કે અમેરિકા જઈને આ બોલવાની
જરૂર કેમ પડી રહી છે? જો ભારતમાં
હિન્દુ-મુસ્લિમનો કોઈ મુદ્દો જ નથી તો અચાનક ત્યાં જઈને બોલવાની શું જરૂર? તેનો અર્થ એ છે કે, સમસ્યા છે. આરએસએસના મુખિયા પોતાની
છબી બનાવવા માટે ઢોંગ કરી રહ્યા છે.' કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા
પર ભાગવતનાં નિવેદનને લઈને લખ્યું- ન્યૂયોર્કમાં ભાગવતે કહ્યું- વિવિધતા આપણી મૂળ એકતાનો
શણગાર છે. તેની રક્ષા થવી જોઈએ. વિદેશમાં સમજદારીભરી વાતો, પરંતુ
ઘરમાં ચુપકીદી. શબ્દો મહત્ત્વ નથી ધરાવતા, કામ બોલવું જોઈએ. સિબ્બલની
આ પ્રતિક્રિયા ભાગવતના ન્યૂયોર્કમાં આપેલા સંબોધનના એક દિવસ પછી આવી. ભાગવતે ન્યૂયોર્કના
મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભારતીય-અમેરિકન સમુદાય અને વિવિધ ધર્મોના નેતાઓની 6000થી વધુ લોકોની સભાને સંબોધિત
કરી હતી. તેમણે કહ્યું હતું કે વિવિધતામાં એકતા
ભારતના ડીએનએનો ભાગ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સોગત રોયે ભાગવતનાં નિવેદનને
સકારાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું, આ ખરેખર સારી વાત છે. મોહન ભાગવત આરએસએસના પ્રમુખ છે, જે એક હિન્દુ સંગઠન છે. જો તેઓ અન્ય સમુદાયો પ્રત્યે સહિષ્ણુતા અને મિત્રતાની
વાત કરે છે તો તે સારી વાત છે. જો કે, રોયે આરએસએસની વિચારધારા
સામે સવાલો પણ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આરએસએસ એક અત્યંત કટ્ટર હિન્દુ સંગઠન છે. ભાગવત
આ વાત કહી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર તેના પર વિશ્વાસ કરે છે
કે નહીં, તે તેઓ નથી જાણતા.
AIMPLBના કાર્યકારી સભ્ય મૌલાના ખાલિદ
રશીદ ફિરંગી મહલીએ કહ્યું કે, ભાગવતે
જે વાત કહી છે, તેને દેશમાં જમીની સ્તર પર લાગુ કરવામાં આવવી
જોઈએ. ત્યારે જ આ નિવેદનને સકારાત્મક માની શકાશે. તેમણે કહ્યું કે, ભાગવતનાં નિવેદનથી ભારતીય સમુદાય વચ્ચે સકારાત્મક સંદેશ ગયો છે.