• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મીઠીરોહર પાસે વિક્રમી 800 કરોડનું કોકેઇન ઝડપાયું

ગાંધીધામ, તા. 28 : તાલુકાના મીઠીરોહર ગામ પછવાડે દરિયાઇ ક્રીક નજીક એક ખાડા પાસેથી પોલીસે સમગ્ર રાજ્યમાં વિક્રમજનક કહેવાય તેટલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જગ્યાએ નશીલા પદાર્થની હેરાફેરી થવાની શક્યતાનાં પગલે એલ.સી.બી.ની ટીમ અહીં ધસી ગઇ હતી અને પાણીના ખાડા પાસે છુટાછવાયા 80 પેકેટ 80 કિલો કોકેઇનનો જથ્થો હસ્તગત કર્યો હતો. અહીં આ પેકેટ કોણ મૂકી ગયો ? કેવી રીતે આવ્યા તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ?ધરી હતી. છેલ્લા લાંબા સમયથી સરહદી એવા કચ્છ જિલ્લામાં બિનવારસુ નશીલા પદાર્થોના પેકેટ?મળવાનો સિલસિલો યથાવત્ છે. અગાઉ નારાયણ સરોવર, જખૌ વગેરે સરહદી વિસ્તારોમાંથી આવા પેકેટ?પકડાતાં હતાં. બાદમાં મુંદરામાં પણ આવા પેકેટ?ઝડપાયાં હતાં. થોડા સમય પહેલાં જોગણીનાળ નજીક દરિયાઇ?કાંઠા પાસેથી સાતેક કરોડનું એક કિલો હેરોઇન પોલીસે જપ્ત કર્યું હતું તેવામાં આજે સમગ્ર રાજ્યમાં વિક્રમજનક જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. એલ.સી.બી.ની ટીમના ગલાલ પારગીને મળેલી પ્રાથમિક બાતમીના આધારે અહીં પોલીસ દોડી ગઇ હતી. મીઠીરોહર પછવાડે મીઠાનાં અગરો નજીક આવેલાં પાણી ભરેલા એક ખાડા પાસેથી આ માલ મળી આવ્યો હતો. આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં પોલીસવડા સાગર બાગમારએ જણાવ્યું હતું કે, દરિયાઇ વિસ્તારમાં નશીલા પદાર્થના કન્સાઇન્મેન્ટની ડિલિવરી થવાની બાતમીના આધારે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કરવામાં આવી હતી અને સચોટ બાતમી મળતાં પોલીસની ટીમો ત્યાં દોડી ગઇ હતી. સવારે આ બાતમીના આધારે પોલીસની ટીમો દરિયાઇ?વિસ્તાર ખૂંદી વળી હતી અને પાણી ભરેલા ખાડા પાસેથી છુટાછવાયા આવાં પેકેટ?મળી આવ્યાં હતાં. સેલોટેપથી વીંટળાયેલાં પ્લાસ્ટીકનાં એક કિલોના આવાં 80 પેકેટ મળ્યાં હતાં. સફેદ રંગનો આ પદાર્થ શું છે તેની તપાસ માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં  આવી હતી. એફ.એસ.એલ.ની ટીમ અહીં આવી આ પદાર્થ કોકેઇન હોવાનું તથા તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 80 કિલોની કિંમત 800 કરોડ હોવાનું જણાવાયું હતું. ઓખામાંથી આજે બે નાઇઝિરિયન પકડાયા છે, તેમની પાસેથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ કોકેઇન કાંડમાં તેમની ભૂમિકા છે કે શું તેવા પ્રશ્નના જવાબમાં પોલીસવડાએ તે અંગે પણ તપાસ કરવાનું જણાવ્યું હતું. આજે સવારથી દોડધામમાં પડેલી પોલીસ ક્રીકના પાણીમાં પણ ઊતરી હતી અને અન્ય જગ્યાએ આવાં પેકેટ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ વધુ પેકેટ?મળી આવ્યાં નથી તેમ છતાં આ અંગે હજુ સઘન તપાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં હજુ સુધી કોઇ શંકાસ્પદોની પૂછપરછ હાથ ન ધરાઇ હોવાનું પોલીસવડાએ ઉમેર્યું હતું. પોલીસે આ કાર્યવાહી કરી હોવાના સમાચાર ડી.આર.આઇ., કસ્ટમ સુધી પહોંચતાં આ એજન્સીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ નશીલો પદાર્થ અહીં કોણ અને કેવી રીતે ફેંકી ગયો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

કોકેઇન પ્રકરણમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની પીઠ થાબડી

ગાંધીધામ, તા. 28 : મીઠીરોહર પાછળ દરિયાઇ ક્રીક પાસેથી વિક્રમી કોકેઇન પકડાવાના બનાવ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ટ્વિટ કરીને પૂર્વ કચ્છ પોલીસની પીઠ થાબડી હતી. મીઠીરોહર પાસે સમગ્ર રાજ્યમાં સૌથી વિક્રમી કોકેઇન કાંડમાં પોલીસની પીઠ થાબડવામાં આવી હતી. અન્ય એજન્સીઓએ કરોડોનો માદક પદાર્થ પકડી પાડયો હતો ત્યારે પોલીસના ઇતિહાસમાં સૌથી વધુ અને મોટી માત્રામાં આજે માદક પદાર્થ ઝડપાયો હતો જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર ઉપર આ અંગે ટ્વિટ કરીને પોલીસની પીઠ થાબડી હતી.

કોકેઈન જથ્થાનો નિકાલ કરવા ખાડી પાસે ફેંકી દેવાયો કે શું ?

ગાંધીધામ, તા. 28 : તાલુકાના મીઠી રોહર નજીક એક ખાનગી સી.એફ.એસ.નાં ગોદામમાં ઝાડીમાંથી ડી.આર.આઈ.એ 10 કરોડનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. ત્યારે આવી રીતે લાકડાના જથ્થામાં માલ આવ્યા બાદ તેનો નિકાલ કરવા પાણીના ખાડા પાસે ફેંકી દેવાયો હતો કે શું તેવા પ્રશ્નો પણ બહાર આવ્યા હતા. શહેરની ભાગોળે આવેલા એ.વી. જોશી સી.એફ.એસ.માં આફ્રિકામાંથી આવેલા કન્ટેનરો બે વર્ષથી કોઈ લેવા ન આવતાં તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તે પહેલાં ત્યાં ડી.આર.આઈ.એ તપાસ કરતાં એક કન્ટેનરમાં એક લાકડાની આડમાંથી રૂા. 10 કરોડનો એક કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. આવી જ રીતે અન્ય કોઈ બેન્શાના કન્ટેનરોમાં આવેલા લાકડાઓમાં આવો માદક પદાર્થ ઘૂસી આવ્યો હોય અને બાદમાં તેનો નિકાલ કરવા આવી રીતે પાણીના ખાડા પાસે ફેંકી દેવાયો હોય તેવી શક્યતા પણ નકારી ન શકાય તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ પેકેટ જ્યાંથી મળ્યા છે તે ક્રીકથી થોડો દૂર છે તેમજ અહીં સુધી ક્રીક આવે છે તે પહેલા ક્રીક ઉપર પુલ છે, જેની નીચે પાણી પસાર થાય છે તે માટે ગોળ પાઈપ નાખવામાં આવ્યા છે. આટલી સરળતાથી આટલી મોટી માત્રામાં પેકેટ અહીં તણાઈ આવ્યા હોય તેવું શકય ન હોવાનું પણ જાણકાર સૂત્રોએ ઉમેર્યું હતું. કંડલા મરીન પોલીસની પેટ્રોલિંગની બોટ ખોટકાયેલી બંધ હાલતમાં પડી છે, પરંતુ કંડલાની ખાડી બહાર આંતરરાષ્ટ્રીય બોર્ડરમાં નેવી બાદમાં કોસ્ટ ગાર્ડની સુરક્ષાને ભેદીને અહીં કન્સાઈનમેન્ટ લાવવું તે પણ અશક્ય જેવું કામ હોવાનું બહાર આવ્યું છે. 

જોગણીનાળમાં મળેલા કરોડોના હેરોઇનની તપાસ હજુ ઠેરની ઠેર

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના જોગણીનાળ નજીક દરિયાઇ ક્રીકમાંથી કરોડોના હેરોઇન કાંડમાં હજુ સુધી કોઇ કડી મળી નથી તેવામાં મીઠીરોહર પછવાડે 800 કરોડનું કોકેઇન મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સરખી દોડધામમાં પડી હતી. જોગણીનાળ નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં 1 કિલો હેરાઇનનું પેકેટ મળી આવ્યું હતું. કરોડોનો આ માદક પદાર્થ અહીં કોણ મૂકી ગયો હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી તેવામાં આજે 800 કરોડના કોકેઇન કાંડથી ભારે ચકચાર પ્રસરી  હતી. કંડલાની ખાડીમાં આ પેકેટ તણાતાં-તણાતાં કોઇ નાની બોટવાળાને મળી આવ્યાં હોય અને તે બાદમાં કિનારા સુધી લઇ આવ્યા બાદ તેમાં માદક પદાર્થ હોવાનું બહાર આવતાં અહીં ફેંકી ગયો હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આવી તમામ પ્રકારની દિશાઓમાં સર્વગ્રાહી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસનાં સાધનોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang