તેલ અવીવ / તેહરાન, તા. 3 : મધ્યપૂર્વમાં
શરૂ થયેલું મહાયુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે અને લંબાય તેવી દહેશત છે. ઈઝરાયલ અને
અમેરિકાએ ઈરાનના વધુ સંવેદનશિલ સ્થળોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. સાથે જ લેબેનોન
પર પણ હુમલા કર્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીએફ)એ તેહરાનના હૃદયસમા વિસ્તારમાં
ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલયને નિશાન બનાવ્યું હતું. સાથે જ નતાંઝ અણુમથક પર પણ હુમલો
કર્યા બાદ કિરણોત્સર્ગની મોટી ભીતિ સર્જાઈ હતી. જો કે, ઈન્ટરનેશનલ અણુ ઊર્જા એજન્સીએ આજે કહ્યું હતું
કે, લીકેજ નથી સાથે જ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા પસંદ કરવા માટે
તેહરાનના એસેમ્બલી કાઉન્સિલના 88 સભ્ય જ્યાં ભેગા થયા
હતા એ ઈમારતને મોટો હુમલો કરીને નષ્ટ કરી દીધાનો દાવો કર્યો છે. બીજી તરફ ઈરાને
સાઉદી અરેબિયામાં રિયાધમાં અમેરિકા દૂતાવાસ પર હુમલો કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ યુદ્ધ ચાર-પાંચ સપ્તાહ સુધી ચાલી શકે છે. ઘેરાયેલું ઈરાન હવે વાતચીત માટે
તૈયાર થયું છે. સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમીએ કહ્યું હતું કે,
અમે વાતચીત માટે તૈયાર છીએ પણ એ ગરિમાપૂર્ણ હોવી જોઈએ. દરમિયાન આંતરરાષ્ટ્રીય
પરમાણુ ઊર્જા એજન્સી (આઈએઈએ) દ્વારા સેટેલાઈટ ઈમેજના આધારે ઈરાનના ભૂગર્ભ નતાંઝ અણુમથકમાં
ઈઝરાયલ અને અમેરિકાના હુમલાથી નુકસાન થયાને પુષ્ટિ આપવામાં આવી છે. આ અણુમથકના મુખ્ય
પ્રવેશ પાસે સારું એવું નુકસાન થયું હોવાનું કહેવાય છે. જો કે, આમાં રેડિએશનનો ખતરો હોવાનું હજી સુધી કહેવાયું નથી. અમેરિકા અને ઈઝરાયલનાં
આ આક્રમણમાં ઈરાન લોહીલુહાણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ઈરાન ઉપર નોંધાયેલા હુમલાની
સંખ્યા 1039 થઈ ગઈ છે. દેશનાં 153 શહેરમાં અમેરિકા અને ઈઝરાયલે
ખાનાખરાબી મચાવી છે. કુલ 504 જેટલા સ્થળે
કરવામાં આવેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 787 લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકા અને ઈઝરાયલના આ હુમલા પછી વિફરેલા
ઈરાને કરો યા મરોની લડાઈ હોય તેવી રીતે ઈઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકી દળો અને હિતોને
નિશાન બનાવીને ધાણીફૂટ હુમલાઓ ચાલુ રાખ્યા છે. બીજીબાજુ ઈઝરાયલે હવે લેબેનોનમાં આક્રમણની
તીવ્રતા વધારી દીધી છે, જેમાં લેબેનોનના
દક્ષિણી વિસ્તારોમાં ઈઝરાયલે ભૂમિગત અભિયાન પણ શરૂ કરી દીધું છે. સાઉદી પ્રશાસન તરફથી
રિયાધમાં અમેરિકી દૂતાવાસ ઉપર બે ડ્રોનથી હુમલો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ
હુમલામાં દૂતાવાસની ઈમારતમાં સામાન્ય નુકસાન અને આગ પણ લાગી હતી. ઈરાન તરફથી ચાલુ થયેલી સજ્જડ જવાબી કાર્યવાહીના
પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ભડકેલા છે. તેમણે આજે કહ્યું હતું કે,
ઈરાનમાં આ કાર્યવાહી ચારેક સપ્તાહ સુધી ચાલી શકે છે. તેમણે આગળ કહ્યું
હતું કે, તેહરાનની મિસાઈલ અને પરમાણુ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે
અમેરિકા જે કરવું પડશે તે કરશે. ઈરાને ખાડી દેશોમાં ક્રૂડ ઓઈલનાં માળખાઓને નિશાન બનાવવા
માંડયાં છે. જેને પગલે દુનિયામાં ઓઈલ અને ગેસના ભાવમાં આગ લાગી ગઈ છે. કતારની શાસન
હસ્તકની પેટ્રોલિયમ કંપનીની બે રિફાઈનરી ઉપર હુમલા થયા બાદ કંપનીનું એલએનજી ઉત્પાદન
અટકાવી દેવામાં આવ્યું છે. આ સીવાય ઈરાનની સેના રિવોલ્યુશનરી ગાર્ડે જ્યાંથી દુનિયાના
પાંચમાં ભાગનું ઓઈલ પરિવહન થાય છે તેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો છે.
જેને પગલે ત્યાં ટેન્કરોનો જામ લાગી ગયો છે. ઈરાને ધમકી આપી છે કે, હોર્મુઝમાંથી કોઈ પણ જહાજ પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના ઉપર હુમલો કરવામાં
આવશે. ઈઝરાયલે ખાડી દેશો ઉપર ઈઝરાયલમાં પણ
હુમલાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. પશ્ચિમ યેરુસલેમ, તેલ અવીવ અને
ઈલાટમાં ઈઝરાયલની વાયુરક્ષા પ્રણાલીએ મિસાઈલનાં હુમલાને આંતરીને વિફળ બનાવ્યા હોવાનું
પણ જાણવા મળે છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં ઈરાનના તાબડતોબ હુમલામાં 10 જેટલા લોકોનાં મૃત્યુ નીપજ્યાં
છે.